ગુજરાતમાં નશાના દૂષણને જડમૂળથી નાબૂદ કરવા માટે રાજ્યની સુરક્ષા એજન્સીઓ સતત ઓપરેશન ચલાવી રહી છે. આ કડીમાં વલસાડ જિલ્લાના વાપી ખાતેથી ડ્રગ્સના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં સુરક્ષા એજન્સીઓને સફળતા મળી છે. વાપીના કુંતા ગામે આવેલા એક ગોડાઉનમાં ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) અને વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ની ટીમે સંયુક્ત દરોડા પાડીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે ૭૧.૩૧ લાખ રૂપિયાની કિંમત ધરાવતું ૨.૩૩૭ કિલોગ્રામ મેફેડ્રોન (એમડી ડ્રગ્સ)નો જથ્થો જપ્ત કર્યો છે.
આ હાઈ-પ્રોફાઈલ ઓપરેશન દરમિયાન પોલીસે ડ્રગ્સના આ મસમોટા નેટવર્ક સાથે સંકળાયેલા બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જ્યારે આ સમગ્ર કૌભાંડનો અન્ય એક સૂત્રધાર પોલીસ રેડ દરમિયાન ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો, જેને વોન્ટેડ જાહેર કરીને પકડવાના ચક્રો ગતિમાન કરાયા છે. પકડાયેલા આરોપીઓ ગોડાઉનની આડમાં યુવાધનને બરબાદ કરવાનું નેટવર્ક ચલાવી રહ્યા હતા.
પોલીસના સત્તાવાર અહેવાલ મુજબ, દરોડા દરમિયાન ગોડાઉનમાંથી માત્ર તૈયાર એમડી ડ્રગ્સ જ નહીં, પરંતુ અન્ય એક શંકાસ્પદ કેમિકલ પણ મળી આવ્યું છે. પોલીસે ત્યાંથી ૬૫૮ ગ્રામ વજન ધરાવતો અન્ય એક શંકાસ્પદ માદક પદાર્થ જપ્ત કર્યો છે, જે કયું કેમિકલ કે ડ્રગ્સ છે તેની વૈજ્ઞાનિક પુષ્ટિ કરવા માટે એફએસએલની ટીમની મદદ લેવામાં આવી રહી છે. આ ઉપરાંત, આ વેરહાઉસમાંથી ડ્રગ્સની નાની-નાની પડીકીઓ તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતું મિક્ષર મશીન, ડિજિટલ વજનકાંટો, પ્લાસ્ટિકની ખાસ કોથળીઓ અને અન્ય સાધનો સહિતનો તમામ મુદ્દામાલ પોલીસે કબજે લીધો છે.
પોલીસે ઘટનાસ્થળેથી કરોડો રૂપિયાના મુદ્દામાલ સાથે જે બે આરોપીઓની ધરપકડ કરી છે, તેમના નામ અબ્દુલ કલામ અબ્દુલરબ ખાન અને મેહુલકુમાર નલીનકુમાર મકવાણા છે. આ ગુનામાં સંડોવાયેલો ત્રીજો આરોપી રાજેશ મુરારી મોર્યા હાલ ફરાર છે અને પોલીસની અલગ-અલગ ટીમો તેને શોધી રહી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ દ્વારા કુંતા ગામના આ ગોડાઉનનો ઉપયોગ વેરહાઉસ તરીકે કરવામાં આવતો હતો. તેઓ બહારથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો અહીં લાવતા હતા અને ત્યારબાદ આ ગોડાઉનમાં બેસીને તેનું વજન કરીને નાની-નાની પડીકીઓ (ડ્રગ્સ પેકેટ્સ) બનાવતા હતા. આ પડીકીઓ વલસાડ, વાપી, દમણ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં કોલેજના યુવક-યુવતીઓ અને શ્રમિકોને ઊંચા ભાવે છૂટકમાં વેચીને તેમને નશાના રવાડે ચડાવતા હતા.