ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનાત્મક માળખામાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા આજરોજ રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરોમાંથી આવતા અનુભવી કાર્યકર્તાઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ નિમણૂંકો દ્વારા પાર્ટી આગામી સમયમાં પોતાની મીડિયા વ્યૂહરચના અને જનસંપર્કને વધુ આક્રમક બનાવવા માંગે છે. પાર્ટીની વિચારધારા અને સરકારની કામગીરીને લોકો સુધી પહોંચાડવા માટે સાત પ્રદેશ સહ-પ્રવક્તાઓ અને બે સહ-ઈન્ચાર્જની નિમણૂંક કરવામાં આવી છે.
સાત પ્રદેશ સહ-પ્રવક્તાઓમાં ધવલભાઈ પટેલ (સાંસદ, વલસાડ), અશ્વિનભાઈ બેન્કર કર્ણાવતી (અમદાવાદ), જયરાજસિંહ પરમાર (મહેસાણા), ઘનશ્યામભાઈ ગઢવી (અમદાવાદ જિલ્લો) મનજીભાઈ આહીર (કચ્છ), હેમાલીબેન બોઘાવાલા (સુરત શહેર) અને શ્વેતાબેન બ્રહ્મભટ્ટ કર્ણાવતી (અમદાવાદ)નો સમાવેશ થાય છે.
આ યાદીમાં અનુભવી નેતાઓની સાથે મહિલા પ્રતિનિધિત્વને પણ પૂરતું સ્થાન આપવામાં આવ્યું છે, જે પાર્ટીની સર્વગ્રાહી પહોંચ દર્શાવે છે. સંગઠનાત્મક કામગીરી અને મીડિયા મેનેજમેન્ટ માટે પ્રદેશ મીડિયા સહ-ઈન્ચાર્જ તરીકે બે નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સુનીલ શાહ( કર્ણાવતી (અમદાવાદ) અને કલ્પ પટેલ (ગાંધીનગર શહેર)નો સમાવેશ થાય છે.
સંગઠનમાં નવો ઉત્સાહ
આ નવી નિમણૂંકો ૨૭.૦૩.૨૦૨૬ના રોજ અમલી કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ નવી ટીમ પાર્ટીના સંદેશાને સચોટ રીતે જનતા સુધી પહોંચાડશે અને સંગઠનને નવી ઊંચાઈઓ પર લઈ જશે. આ નિમણૂંકોમાં ખાસ કરીને એવા ચહેરાઓને સ્થાન મળ્યું છે જેઓ મીડિયા અને ડિબેટ્સમાં પાર્ટીનો પક્ષ મજબૂતીથી રાખી શકે છે.