BREAKING NEWS

ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીના પરિણામો જાહેર, મહિલા અનામતને કારણે સિનિયર વકીલો વિજયથી વંચિત રહી ગયા

  • March 23, 2026 04:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીના અંતીમ પરિણામો જાહેર થયા છે, જેમાં મહિલાના અનામતના કારણે કેટલાક સિનિયર વકીલોને જીતથી વંચિત રાખી દીધા છે.


જેમાં બાર કાઉન્સિલનું અગાઉ પ્રતિનિધિત્વ કરી ચુકેલા અગ્રણી વકીલોને આ ટર્મમાં પ્રતિનિધિત્વ તક નહીં મળે, તેમજ ૨૦૨૬થી ૨૦૩૧ સુધીની પાંચ વર્ષની ટર્મમાં પ્રથમ વર્ષે ગુજરાત બાર કાઉન્સિલનું ચેરમેન, વાઇસ ચેરમેન સહિતની કમિટીમાં કોનો હાથ ઉપર રહે છે, જેમાં અને કોનો દબદબો જળવાઈ રહે છે તે આવનારો સમય જ કહેશે.


ગુજરાત બાર કાઉન્સિલની તા.6ઠ્ઠી માર્ચેના રોજ યોજાયેલી પ્રતિષ્ઠાભરી ચૂંટણીની મત ગણતરી તારીખ 9 માર્ચના રોજ હાથ ધરવામાં આવી હતી, ૧૨ દિવસ સુધી ચાલેલી મતગણતરીના અંતે ફાઇનલ પરિણામ જાહેર થયા છે. જેમાં રાજકોટના દિલીપભાઈ પટેલ, જામનગરના મનોજભાઈ અનડકટ, ભાવનગરના અનિરુદ્ધસિંહ ઝાલા, અમદાવાદના જે જે પટેલ સહિત ૧૮ પુરુષ ઉમેદવારોને વિજેતા જાહેર કરાયા હતા. જ્યારે બાર કાઉન્સીલની ચૂંટણીમાં પાંચ બેઠકોના મહિલા વકીલોના કવોટામાં રાજકોટના અમૃતાબેન ભારદ્વાજ સહિત પાંચ મહિલા વકીલ પ્રથમ વખત બાર કાઉન્સિલમાં એન્ટ્રી થશે. બાર કાઉન્સિલની ચૂંટણીની છેલ્લા ૧૨ દિવસથી ચાલી રહેલી મતગણતરીના અંતે કેટલા વરિષ્ઠ વકીલ ઉમેદવારોના સમર્થકોમાં નિરાશાની લાગણી પ્રસરેલી જોવા મળતા કહીં ખુશી, કહીં ગમના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. કારણ કે વિજેતા ક્વોટા મુજબ ૧૯૨૩ કે વધુ મત મેળવનારા ૧૮ વકીલોને જ પાંચ મહિલા અનામતને હિસાબે વિજયી થઇ શકાયા છે, આથી 1923 કે વધુ મત મેળવ્યા છતાં અન્ય વકીલ ઉમેદવારો વિજયથી વંચિત રહેવા પામ્યા છે.


૨૦ મહિલા ઉમેદવારોમાં વડોદરાના નિમિષા ધોત્રે ૧૦મા ક્રમાંકે અને વંદના ભટ્ટ 14મા ક્રમાંકે વિજેતા થયા હતા. જ્યારે અન્ય ત્રણ મહીલા ઉમેદવારો અમૃતાબેન ભારદ્વાજ, પ્રીતિબેન જોષી અને હિરલબેન પાનવાલા આ ત્રણ ઉમેદવારો નિર્ધારિત ક્વોટા કરતા ઓછા મત હોવા છતાં મહિલા અનામતને કારણે વિજયી થયા છે.


દરમિયાન હવે વિજેતા ઉમેદવારોના નામોની યાદી સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર રચાયેલી હાઈપાવર કમિટીને મોકલાશે. તેની બહાલી બાદ બાર કાઉન્સિલની અસાધારણ સભા બોલાવવામાં આવશે. જેમાં ચૂંટાયેલા ૧૮ વકીલ પુરૂષ સભ્યો અને મહિલા અનામત કવોટામાં સભ્યપદ મેળવનારી પાંચ સભ્યો અને બીસીઆઈ મારફતે કો-ઓપ્શનથી સ્થાન મેળવનારી બે મહિલા વકીલ સભ્યો મળી કુલ ૨૫ સભ્યોમાંથી ૨૦૨૬થી ૨૦૩૧ની ટર્મના પ્રથમ વર્ષના ચેરમેન, વાઈસ ચેરમેન, એકઝીકયુટીવ કમિટી, ફાયનાન્સ કમીટી સહિતની સાત કમિટીઓના ચેરમેન-સભ્યો તેમ જ જુદી જુદી ડિસ્પ્લીનરી કમિટીઓની રચના થશે.


બાર કાઉન્સિલના ચૂંટાયેલા ૧૮ પુરૂષ, ૫ મહિલા વકીલો

બાર કાઉન્સીલના હાલના ચેરમેન જે.જે.પટેલ, દિલીપ પટેલ,એ.એ.અન્સારી, અનિલ સી.કેલ્લા, મનોજ અનડકટર, પરેશ વાઘેલા, કરણસિંહ બી.વાઘેલા, ભાવેશ રબારી, હિતેશ પટેલ, પી.ડી.પટેલ, દિપન દવે, કિશોર ત્રિવેદી, જીગ્નેશ પટેલ, ભરત ભગત, શંકરસિંહ ગોહિલ, હરીશ નાકરાણી અને ઝક્કી શેખ અને પાંચ મહિલા ઉમેદવારો નિમિષા ધોત્રે, અમૃતા ભારદ્વાજ, વંદના ભટ્ટ, પ્રીતિ જોષી અને હીરલ પાનવાલાને વિજેતા જાહેર કર્યા છે. આ સિવાય અન્ય બે મહિલા વકીલો બીસીઆઈ કો-ઓપ્શનથી મૂકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application