BREAKING NEWS

નકલી ડોક્ટરોનો ખેલ હવે ખતમ થશે...વિધાનસભામાં ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન બિલ પસાર

  • March 25, 2026 06:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાજ્યમાં સામાન્ય નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરો અને લેભાગુ તત્ત્વો સામે લગામ કસવા માટે રાજ્ય સરકારે મક્કમ ડગલું ભર્યું છે. ગુજરાત વિધાનસભામાં 'ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) (સુધારા) વિધેયક 2026' સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં તબીબી સેવાની ગુણવત્તા જાળવી રાખવાનો અને વગર લાયકાતે પ્રેક્ટિસ કરતા તત્ત્વોની 'હાટડીઓ' કાયમ માટે બંધ કરાવવાનો છે.


લેભાગુ તત્ત્વો પર અંકુશ અને પારદર્શક પ્રક્રિયા

આ વિધેયક રજૂ કરતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ ગૃહમાં જણાવ્યું હતું કે, લાયકાત વગર તબીબી પ્રેક્ટિસ કરી નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મૂકતા લોકો પર નિયંત્રણ લાવવું અત્યંત અનિવાર્ય હતું. વર્ષ 2021માં જ્યારે આ કાયદો અમલી બનાવાયો હતો, ત્યારથી અત્યાર સુધીમાં રાજ્યમાં આશરે 41,000 જેટલા પ્રોવિઝનલ (કામચલાઉ) અને 2,000 જેટલા કાયમી રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ ચૂક્યા છે. નવા સુધારા બાદ હવે હોસ્પિટલો, ક્લિનિક્સ અને લેબોરેટરીઓના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનશે.


કલમ-9 અને 18માં મહત્વના સુધારા

વહીવટી સરળતા રહે અને વારંવાર કાયદામાં સુધારા ન કરવા પડે તે હેતુથી કાયદાની કલમ-9 અને 18માં ફેરફાર કરવામાં આવ્યા છે. અગાઉ રજિસ્ટ્રેશનની મુદત 30 એપ્રિલ 2026 સુધી જ મર્યાદિત હતી અને પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન 12 સપ્ટેમ્બર 2026 પછી બંધ થવાનું હતું. જોકે, નવા સુધારા મુજબ હવે સરકાર જરૂરિયાત મુજબ જાહેરનામા (ગેઝેટ) દ્વારા ગમે ત્યારે આ મુદત નક્કી કરી શકશે. આ ફેરફારને કારણે હવે જટિલ કાયદાકીય પ્રક્રિયાના બદલે સીધા સરકારી જાહેરનામાથી જ સમયમર્યાદામાં ફેરફાર કરી શકાશે, જે વહીવટી તંત્ર માટે મોટી રાહત સમાન છે.


રૂ. 5 લાખ સુધીનો દંડ અને રજિસ્ટ્રેશન રદ કરવાની જોગવાઈ

નિયમોનું ઉલ્લંઘન કરનાર સંસ્થાઓ સામે સરકારે કડક વલણ અપનાવ્યું છે. આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો કોઈ ચિકિત્સા સંસ્થા કે હોસ્પિટલ આ નિયમોનું પાલન કરવામાં ચૂક કરશે, તો તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. કાયદા મુજબ, નિયમોના ભંગ બદલ રૂ. 10 હજારથી લઈને રૂ. 5 લાખ સુધીનો દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે. આટલું જ નહીં, જો કોઈ ગંભીર બેદરકારી સામે આવશે તો સરકાર પાસે તે સંસ્થાનું રજિસ્ટ્રેશન કાયમ માટે રદ કરવાની સત્તા પણ રહેશે.


નાગરિકોને મળશે છેતરપિંડીથી મુક્તિ

આ સુધારા પાછળનો અંતિમ ધ્યેય દર્દીઓના હિતનું રક્ષણ કરવાનો છે. હવે તમામ હોસ્પિટલો અને લેબોરેટરીઓ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત બનતા દર્દીઓને ખાતરી મળશે કે તેઓ જે સંસ્થામાં સારવાર લઈ રહ્યા છે તે સરકારના નિર્ધારિત માપદંડો મુજબ ચાલે છે. આ કાયદાના કડક અમલીકરણથી ડિગ્રી વગરના ડોક્ટરો દ્વારા થતી છેતરપિંડી અટકશે અને રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત તેમજ વિશ્વાસપાત્ર આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application