ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 10,005 બેઠકો માટે આગામી 26 એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણી પંચના જાહેરનામા મુજબ, 11 એપ્રિલ ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ હોવાથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ઉમેદવારોની પસંદગીને લઈ ભારે ખેંચતાણ જોવા મળી રહી છે.
કોંગ્રેસની રણનીતિ: આજે 15 મનપાના ઉમેદવારોની જાહેરાત
કોંગ્રેસે આ વખતે અત્યંત સાવચેતીપૂર્વક સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી છે. પક્ષના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના માર્ગદર્શન હેઠળ આજે 15 મહાનગરપાલિકા માટે ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદ, સુરત અને રાજકોટ જેવી જૂની 6 મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસ પોતાના સીટિંગ કોર્પોરેટરો પર ફરી વિશ્વાસ મૂકી શકે છે અને મોટાભાગનાને રિપિટ કરવાની શક્યતા છે.
રાજકોટમાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા વોર્ડ નંબર 2માંથી ચૂંટણી લડે તેવી પ્રબળ શક્યતા છે. આ ઉપરાંત રાજકોટમાં વશરામ સાગઠીયા, દિપ્તીબેન સોલંકી અને સંજય આજુડીયા જેવા નામો પણ ચર્ચામાં છે. પક્ષપલટાને રોકવા માટે કોંગ્રેસે આ વખતે ઉમેદવારો પાસેથી 'બાહેધરી પત્રક' લેવાનું પણ શરૂ કર્યું છે.
મેનિફેસ્ટો અને પ્રચાર અભિયાન
કોંગ્રેસ આ વખતે 'જનતાના સૂચનો' પર આધારિત મેનિફેસ્ટો તૈયાર કરી રહી છે. અમિત ચાવડાએ તમામ 15 મનપાના પ્રમુખોને આગામી 6 અને 7 એપ્રિલના રોજ પ્રેસ કોન્ફરન્સ યોજી મેનિફેસ્ટો જાહેર કરવા સૂચના આપી છે. આ કાર્યક્રમમાં ધારાસભ્યો અને પૂર્વ સાંસદોની હાજરી અનિવાર્ય રાખવામાં આવી છે, જેથી પક્ષની એકતાનો સંદેશ જનતા સુધી પહોંચાડી શકાય.
ભાજપ અને આપની તૈયારીઓ
બીજી તરફ, ભાજપ દ્વારા પણ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે. જામનગર અને કચ્છ જેવા વિસ્તારોમાં દાવેદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીએ (AAP) તો પહેલેથી જ બે યાદીઓ જાહેર કરીને ચૂંટણી પ્રચારમાં લીડ મેળવી લીધી છે.
2027 પહેલાની સેમિફાઈનલ
આ ચૂંટણી 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાની 'સેમિફાઈનલ' માનવામાં આવે છે. ખાસ કરીને 9 નવી બનેલી મહાનગરપાલિકાઓમાં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી હોવાથી તમામ પક્ષો પોતાની પૂરી શક્તિ લગાવી રહ્યા છે.
ચૂંટણીનો કાર્યક્રમ
જાહેરનામું પ્રસિદ્ધ- 6 એપ્રિલ
ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 11 એપ્રિલ 2026
મતદાન: 26 એપ્રિલ 2026
પરિણામ: 28 એપ્રિલ 2026
રાજ્યની 6 જૂની મનપામાં ભાજપનો દાયકાઓથી કબજો છે (અમદાવાદ-રાજકોટમાં 20 વર્ષ અને અન્યમાં 30 વર્ષ), ત્યારે આ ગઢમાં ગાબડું પાડવું કોંગ્રેસ અને આપ માટે મોટો પડકાર બની રહેશે.