BREAKING NEWS

લ્યો હવે આ જ બાકી હતું... ચોરોએ ગુજરાત ગેસની લાઈન તોડી, ૪૫ લાખના ગેસની ચોરી કરી નાસી છૂટ્યા, રાજકોટના શાપરનો બનાવ

  • December 19, 2025 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ ઝોન માં ઈથર કોર્પોરેશનના માલિક અને સંચાલકોએ પોતાની કંપનીમાં ગેસની પાઇપલાઇન હોવા છતાં લોકોના જીવ જોખમમાં મૂકી ગુજરાત ગેસની પાઇપ લાઈન તોડી છેલ્લા એક વર્ષથી ૪૫ લાખના ગેસની ચોરી કર્યાનું ધ્યાને આવતા શાપર પોલીસ મથકમાં એક મહિલા સહિત પાંચ સંચાલકો સામે ગુનો નોંધાયો હતો.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટમાં રૈયાધારમાં આવેલ સોપાન હાઇટ્સમાં રહેતાં મૂળ ગીર સોમનાથના સણોસરી ગામના વતની મુકેશભાઇ દુલાભાઈ બલદાણીયા ઉ.વ.૩૮ એ શાપર વેરાવળ પોલીસ મથકમાં આરોપી તરીકે ઇથર કોર્પોરેશનના સંચાલક કિશન ધરમસિંહ ભાલોડીયા, જય દિનેશચંદ્ર સભાયા, દિનેશચંદ્ર દેવરાજ સભાયા, સેજલબેન મહેન્દ્રકુમાર ઝણકાર, ધરમશી કાનજી ભાલોડિયા રહે તમામ, શ્રીહરી રઘુનાથ પાર્ક પૂર્ણ સોસાયટીની પાછળ નાનામવા મેઇન રોડ રાજકોટ વાળા સામે ફરિયાદ નોંધાવતા શાપર પોલીસે પેટ્રોલિયમ અને મિનરલ પાઈપલાઇન્સ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


વધુમાં ગુજરાત ગેસ લીમીટેડ કંપનીમાં છેલ્લા ૧૩ વર્ષથી ફરજ બજાવે છે અને હાલ રાજકોટ ડેપ્યુટી મેનેજર (ટેકનીકલ) તરીકે કાર્યરત છે. તેઓની કંપની દ્વારા રાજકોટ જીલ્લામાં ઔધ્યોગીક હેતુ માટે કુલ ૫૬૬ એક્ટીવ ગ્રાહકોને ગેસ વપરાશ માટેના જોડાણ આપેલ છે, જે ગેસ વપરાશમાં કોઇ ગેરરીતી થાય છે કે કેમ ? તે ચેક કરવા માટે કંપનીની ટીમો અવાર નવાર કારખાનાઓમાં સરપ્રાઇઝ ચેકીંગની કામગીરી કરતી હોય છે.


ગત ૨૧/૧૧/૨૦૨૫ ના રાત્રીના તેઓની સાથે કોન્ટ્રાક્ટ પેટે કામ કરતા ટીમના સભ્યો સચિનભાઈ રાઠોડ, પ્રકાશભાઈ સોલંકી તથા દીલીપભાઈ પરમાર વેરાવળમાં મસ્કત પોલીમર્સ રોડ પર આવેલ ઇથર કોર્પોરેશન નામના કારખાનામાં કે જે કારખાનાને કંપની દ્વારા ગેસ વપરાશ માટેનું જોડાણ આપવામાં આવેલ હોય તે કારખાનામાં આવી તપાસ કરતા ત્યાં કંપની દ્વારા આ ઇથર કોર્પોરેશનને વર્ષ ૨૦૧૬ માં ઔધ્યોગીક ગેસ વપરાશનું જોડાણ આપેલ હતુ પરંતુ આ કંપની દ્વારા કંપનીની મુખ્ય પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર રીતે હોલ કરી પાઈપલાઈનમાં બગાડ કરી કંપનીની જાણ બહાર બીજુ નવું કનેક્શન લઈ ગેસ વાપરતા હોવાનું જણાઇ આવેલ હતું.


આ બાબતે રોજકામ કરી બીજા દીવસે સવારે આ કંપની ખાતે ટીમના સભ્યો સાથે પરત આવી કંપનીના સંચાલક કિશન ભાલોડીયા હાજર હોય જેઓને મળી ગેરકાયદેસર કનેક્શન બાબતે પુછતા પોતે ગેરકાયદેસર ગેસ કનેક્શન લીધેલનું સ્વીકારેલ હતું. આ બાબતે તપાસ કરતા આ ઈથર કોર્પોરેશન દ્વારા છેલ્લા એક વર્ષમાં અંદાજે ૫૯,૦૦૦ યુનીટ ગેસ ગેરકાયદેસર કનેક્શન દ્વારા વપરાશ કરેલનું જણાઈ આવેલ હતું, જેની અંદાજીત કિંમત આશરે રૂ.૪૫ લાખ ગણી શકાય.


જેથી ઇથર કોર્પોરેશનના તમામ સંચાલક દ્વારા ગુજરાત ગેસ લીમીટેડ દ્વારા ગેસ વપરાશ માટે કંપનીને કનેક્શન આપેલ હોય જે ગેસ પાઇપલાઇનમાં ચેડા કરવાથી માનવ જીંદગી જોખમાઇ શકે તેવુ જાણવા છતા કંપનીની મુખ્ય લાઈનમાંથી કંપનીની જાણ બહાર કે કંપનીને જાણ કર્યા વગર સતત એક વર્ષ સુધી પોતાના અંગત ફાયદા માટે ગેરકાયદેસર રીતે ગેસ લાઈનમાં હોલ પાડી બગાડ કરી ગેસ કનેક્શન લઇ રૂ.૪૫ લાખનો ગેસ સતત એક વર્ષ સુધી વાપરી ગેસની ચોરી કરી સગેવગે કરતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી શાપર પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application