રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે રાજ્યના વિવિધ શહેરોના આયોજનબદ્ધ વિકાસને વેગ આપવા કુલ 8 મહત્વના નોટિફિકેશન જાહેર કર્યા છે. આ નિર્ણયોમાં જૂનાગઢ, રાજકોટ અને વડોદરાની ટાઉન પ્લાનિંગ (ટી.પી) યોજનાઓ તેમજ જૂનાગઢના ડેવલપમેન્ટ પ્લાનમાં ફેરફારને મંજૂરી આપવામાં આવી છે.
સૌથી મહત્વપૂર્ણ નિર્ણય તરીકે રાજ્ય સરકારે જૂનાગઢ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના ફાઇનલ ડેવલપમેન્ટ પ્લાનમાં ફેરફારને મંજૂરી આપી છે. સરગવાડા ગામના રેવન્યુ સર્વે નં. 37/1/પી અને 37/2/પીની જમીનને અત્યાર સુધી રહેણાંક ઝોન તરીકે દર્શાવવામાં આવી હતી, તેને હવે ઔદ્યોગિક ઝોન તરીકે જાહેર કરવામાં આવી છે. સરકાર દ્વારા અગાઉ આ ફેરફાર અંગે વાંધા-સૂચનો મંગાવવામાં આવ્યા હતા, પરંતુ કોઈ વાંધો કે સૂચન પ્રાપ્ત ન થતાં અંતિમ મંજૂરી આપવામાં આવી છે.
રાજ્ય સરકારે જૂનાગઢ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. 7 (ઝાંઝરડા) અને ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં. 11 (જૂનાગઢ-ઝાંઝરડા) ને પણ મંજૂરી આપી છે. બંને યોજનાઓમાં ટાઉન પ્લાનિંગ અધિકારીને એનેક્સરમાં દર્શાવાયેલા સુધારા અને શરતોનો સમાવેશ કરીને અંતિમ યોજના તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત મુસદ્દારૂપ નગર રચના યોજના નં. 7 (ઝાંઝરડા) અને મુસદ્દારૂપ નગર રચના યોજના નં. 11 (જૂનાગઢ-ઝાંઝરડા) ને અમલમાં મૂકવા માટે રાજ્ય સરકારે જૂનાગઢના નગર નિયોજકને નગર રચના અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે.
બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની ફાઇનલ ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. 14ને રાજ્ય સરકારે અંતિમ મંજૂરી આપી છે. જ્યારે વડોદરા મહાનગરપાલિકા વિસ્તારની ફાઇનલ ટીપી સ્કીમ નં. 12 (નિઝામપુરા – પ્રથમ ફેરફાર) ને પણ મંજૂરી આપવામાં આવી છે. બંને યોજનાઓ હવે સંબંધિત સત્તાધિકારીની કચેરી ખાતે જાહેર નિરીક્ષણ માટે ઉપલબ્ધ રહેશે.
શહેરી વિકાસ વિભાગે જાહેર કરેલા એનેક્સરમાં વિવિધ યોજનાઓમાં પ્લોટ રિ-એડજસ્ટમેન્ટ, માર્ગ વ્યવસ્થા, ઓપન સ્પેસ, ગાર્ડન, જાહેર ઉપયોગની જમીન, રેવન્યુ રેકોર્ડ, પ્લોટ એરિયા, જમીનના ઉપયોગ અને અન્ય ટેક્નિકલ મુદ્દાઓમાં જરૂરી સુધારા અને સ્પષ્ટતા કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે.
રાજ્ય સરકારના આ નિર્ણયો બાદ જૂનાગઢ, રાજકોટ અને વડોદરામાં શહેરી આયોજન, ઔદ્યોગિક વિકાસ, માર્ગ અને જાહેર સુવિધાઓના વિસ્તરણ તેમજ ભવિષ્યના વિકાસને વધુ સુવ્યવસ્થિત રીતે અમલમાં મૂકવાનો માર્ગ મોકળો બન્યો છે.