વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કરોડોની કિંમતની સરકારી જમીન પર ગેરકાયદે કબજો જમાવવાના હાઈપ્રોફાઈલ વિવાદમાં પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસના સાંસદ યુસુફ પઠાણને ગુજરાત હાઈકોર્ટ તરફથી જોરદાર લપડાક મળી છે. વડોદરાની ટીપી સ્કીમ નંબર-૨૨ના ફાઈનલ પ્લોટ નંબર-૯૦ પર દબાણ કરવાના કેસમાં હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રે. ની ખંડપીઠે યુસુફ પઠાણના વલણની આકરી ઝાટકણી કાઢી હતી. કોર્ટે સાંસદને રોકડા સવાલો પૂછતા કહ્યું હતું કે, જ્યારે જમીનની ફાળવણી હજી સત્તાવાર રીતે થઈ જ નથી અને માત્ર સ્ટેન્ડિંગ કમિટીનો પ્રસ્તાવ જ હતો, તો પછી તમે જરૂરી કાયદાકીય પ્રક્રિયાઓ અનુસર્યા વિના પ્લોટમાં પ્રવેશ્યા કેવી રીતે અને કબજો કઈ રીતે કર્યો? વળી આ જમીન માટે તમે સરકારને એક પણ રૂપિયો ચૂકવ્યો નથી. કોર્ટે યુસુફ પઠાણને કહ્યું હતું કે, જમીન ખાલી કરો નહી તો દંડ થશે, તમે અભણ નથી.
સુનાવણી દરમિયાન નામદાર હાઈકોર્ટે પૂર્વ ક્રિકેટરની આકરી ટીકા કરતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કર્યા વિના સરકારી જમીન પર અનઅધિકૃત રીતે દબાણ કરી દેવું એ કાનૂની ગુનો છે. હાઈકોર્ટે ટોણો મારતા કહ્યું કે, તમે કોઈ અભણ વ્યક્તિ નથી. એક આંતરરાષ્ટ્રીય કક્ષાના સેલિબ્રિટી ક્રિકેટર અને જનપ્રતિનિધિ પાસેથી આવા બેજવાબદાર વર્તનની અપેક્ષા બિલકુલ રાખી શકાય નહીં.
વધુમાં કોર્ટે ઉમેર્યું કે, ભલે તમે હાલમાં એ જમીનનો પ્રત્યક્ષ ઉપયોગ ન કરતા હોવ, પરંતુ જમીન હજુ પણ તમારા ગેરકાયદે કબજા હેઠળ જ છે, તેથી તમારે તે સમયગાળાનું ભાડું તો ચૂકવવું જ પડશે. હાઈકોર્ટે અલ્ટીમેટમ આપતા કડક શબ્દોમાં સંભળાવ્યું કે, અથવા તો તમે પોતે આ સરકારી જમીન ખાલી કરી દો, નહીતર કોર્ટ તમને મોટો આર્થિક દંડ ફટકારશે અથવા ઓથોરિટીને બળપૂર્વક પઝેશન લેવાનો હુકમ કરશે. આ સાથે કોર્ટે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી કે જે સરકારી અધિકારીએ કાયદો નેવે મૂકીને યુસુફ પઠાણને જમીનનો કબજો સોંપ્યો હતો, તે અધિકારી વિરૂદ્ધ પણ ખાતાકીય તપાસનો આદેશ આપવામાં આવશે.
આ સમગ્ર વિવાદની પાશ્વભૂમિ પર નજર કરીએ તો, પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા વડોદરામાં રહેણાંક પ્લોટ મેળવવા માટે એક અરજી કરવામાં આવી હતી. આ અરજીના આધારે વર્ષ ૨૦૧૨માં વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ એક ઠરાવ પસાર કરીને તે સમયની બજાર કિંમતે (માર્કેટ રેટ પર) યુસુફ પઠાણને જમીન આપવા અંગેનો માત્ર એક પ્રસ્તાવ કર્યો હતો. વડોદરા મનપાની સામાન્ય સભાએ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી, પરંતુ નિયમ મુજબ અંતિમ મંજૂરી માટે આ ફાઇલ રાજ્ય સરકાર પાસે મોકલવામાં આવી હતી. રાજ્ય સરકારે લાંબી વિચારણા બાદ વર્ષ ૨૦૨૪માં આ વિવાદાસ્પદ જમીન આપવાની અરજીને સરેઆમ નકારી કાઢી હતી.
રાજ્ય સરકારના આ નકારાત્મક નિર્ણયથી નારાજ થઈને યુસુફ પઠાણ દ્વારા વર્ષ ૨૦૨૪માં જ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. પઠાણે વડોદરા મનપાના તારીખ ૬-૬-૨૦૨૪ના એ નિર્ણયને કોર્ટમાં પડકાર્યો હતો, જેમાં જાહેર હરાજી કર્યા વિના યુસુફ પઠાણની તરફેણમાં ૯૯ વર્ષના લાંબા ગાળાના લીઝ પર પ્લોટ ફાળવવાનો પ્રસ્તાવ નામંજૂર કરાયો હતો. આ દરમિયાન વડોદરા કોર્પોરેશને પણ પઠાણને નોટિસ પાઠવી જમીન પરનું દબાણ તાત્કાલિક દૂર કરવા સૂચના આપી હતી. આ કેસમાં હાઈકોર્ટના સિંગલ જજે ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ સુનાવણી કરીને પઠાણને કોઈપણ પ્રકારની વચગાળાની રાહત આપવાનો સાફ ઈનકાર કરી દીધો હતો અને તેમની પિટિશન ફગાવી દીધી હતી. સિંગલ જજના આ આકરા હુકમ સામે યુસુફ પઠાણ દ્વારા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ (ખંડપીઠ) સમક્ષ 'લેટર્સ પેટન્ટ અપીલ' દાખલ કરવામાં આવી હતી, જેમાં હવે કોર્ટે તેમની આકરી ઝાટકણી કાઢી છે.
પારદર્શક નીતિ વિના કોર્પોરેશન પ્લોટ લહાણી ન કરી શકે
હાલની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કાયદાના શાસન પર ભાર મૂકતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે પઠાણના વકીલને પૂછ્યું કે, શું કોર્પોરેશન તમારી સાથે આંતરિક રીતે ગોઠવણમાં હતું એટલે તમે કાયદો હાથમાં લઈને દબાણ કરી દીધું? કોઈ પણ પ્રકારની જાહેર હરાજી (ઓક્શન) વગર કિંમતી સરકારી જમીન કોઈ વ્યક્તિને કેવી રીતે લહાણીમાં આપી શકાય? કોર્પોરેશન પોતાની મરજીથી કોઈ મનપસંદ વ્યક્તિને પસંદ કરીને પ્લોટ પધરાવી શકે નહીં. પ્લોટ ફાળવણી માટે હંમેશા એક પારદર્શક, સ્પષ્ટ અને ખુલ્લી નીતિ હોવી અનિવાર્ય છે. કોર્ટે આક્રોશ સાથે નોંધ્યું કે, આ કેસમાં નથી કોઈ સત્તાવાર સરકારી ફોર્માલિટી પૂર્ણ થઈ કે નથી કોઈ કાયદેસરની 'લીઝ ડીડ' (ભાડાકરાર) સાઈન થઈ, તો પછી કયા અધિકારથી તમે જમીન પર કબજો જમાવીને બેઠા છો? આ કેસની આગામી દિવસોમાં થનારી સુનાવણી પર હવે સૌની નજર મંડાયેલી છે.