BREAKING NEWS

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: રાજ્યની 9 APMCમાં યોજાશે ચૂંટણી, જ્યારે 15 બજાર સમિતિઓની મુદતમાં કરાયો 6 મહિનાનો વધારો

  • February 10, 2026 08:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યના કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ અનુસાર રાજ્યની 09 APMCમાં ચૂંટણી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ, વહીવટી પ્રક્રિયાઓને કારણે અટકેલી અન્ય 15 APMCની મુદતમાં 6 મહિનાનો વધારો કરવામાં આવ્યો છે.


09 APMCમાં લોકશાહી પ્રક્રિયાનો પ્રારંભ
રાજ્ય સરકારના આ નિર્ણયથી 9 માર્કેટિંગ યાર્ડમાં નવી બોડીની નિમણૂક માટે ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. આ નિર્ણય પાછળનો હેતુ સહકારી સંસ્થાઓમાં લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ખેડૂતોના પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવવાનો છે.


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (APMC)ના સુચારુ વહીવટ માટે બે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે રાજ્યની ૦૯ APMCમાં ચૂંટણી યોજવા માટેની સૂચનાઓ જારી કરવામાં આવી છે. જ્યારે, વહીવટી કારણોસર અન્ય ૧૫ APMCની મુદત લંબાવવામાં આવી છે.  


આ સંદર્ભે વિગતવાર માહિતી આપતા કૃષિ અને સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કૃષિ વિભાગ દ્વારા રાજ્યમાં જે બજાર સમિતિઓની મુદત પૂર્ણ થઈ છે, ત્યાં ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવાની નિયમોનુસારની કાર્યવાહી તાત્કાલિક ધોરણે હાથ ધરવા 'ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર' નિયામકશ્રીને જાણ કરવામાં આવી છે. આ નિર્ણયથી સ્થાનિક સ્તરે ખેડૂત પ્રતિનિધિઓની પસંદગીનો માર્ગ વધુ મોકળો થયો છે.  


આ નિર્ણયના પરિણામે રાજ્યની નીચે દર્શાવેલ ૦૯ બજાર સમિતિઓમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે:
૧. ભાણવડ (દેવભૂમિ દ્વારકા)
૨. ધોલેરા (અમદાવાદ)
૩. તલોદ (સાબરકાંઠા)
૪. સાગબારા (નર્મદા)
૫. કુકરમુંડા (તાપી)
૬. સુરેન્દ્રનગર
૭. કામરેજ (સુરત)
૮. રાણપુર (બોટાદ)
૯. બરવાળા (બોટાદ)  


મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યમાં હાલ ચાલી રહેલી મતદારયાદી સુધારણા (SIR)ની કામગીરીમાં રાજ્ય ચૂંટણી પંચના આદેશથી જિલ્લા રજિસ્ટ્રાર અને કચેરીનો સ્ટાફ વ્યસ્ત છે. આથી જે બજાર સમિતિઓની મુદત પૂર્ણ થઈ છે અથવા પૂર્ણ થવામાં છે, તેવી સમિતિઓમાં ચૂંટણીનું તાત્કાલિક આયોજન કરવું શક્ય ન હોવાથી ૧૫ APMCને ૦૬ મહિનાનો મુદત વધારો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  


ખેડા જિલ્લાની ઠાસરા અને ગળતેશ્વર, બનાસકાંઠાની દિયોદર, ભાભર અને ધાનેરા, જૂનાગઢ, અમદાવાદની ધોળકા અને બાવળા, મહેસાણાની બેચરાજી, પંચમહાલની શહેરા, છોટાઉદેપુરની નસવાડી અને છોટાઉદેપુર, સાબરકાંઠાની પ્રાંતિજ, બોટાદની ગઢડા તથા અમરેલીની ખાંભા બજાર સમિતિને જાહેરનામાની તારીખથી ૦૬ મહિનાનો મુદત વધારો આપવામાં આવ્યો છે.  


​​​​​​​અત્રે નોંધનીય છે કે, રાજ્યની જે બજાર સમિતિઓની ચૂંટણી પ્રક્રિયા ન્યાયિક હુકમો કે અદાલતી ચુકાદાના આધારે હાથ ધરાયેલ હોય, તેવી સમિતિઓને આ મુદત વધારાનો લાભ મળશે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News