ગુજરાત સરકારના કર્મચારીઓ, અધિકારીઓ અને પેન્શનરોને પણ આરોગ્ય વિષયક સુવિધા આયુષ્યમાન કાર્ડ અંતર્ગત વિનામૂલ્ય મળી રહે તે માટેની જાહેરાત ગુજરાત સરકારે ગયા મે મહિનાની 15 તારીખે કર્યા પછી હવે આ માટેના કાર્ડ કાઢવા માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે.
'જી' કેટેગરીના અલગ પ્રકારના જ કાર્ડ ઇશ્યૂ કરવામાં આવશે
જે અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનરો આયુષ્યમાન કાર્ડ કાઢવા માંગતા હોય તેમને 'જી' કેટેગરીના અલગ પ્રકારના જ કાર્ડ ઇશ્યૂ કરવામાં આવશે, આ માટે જે તે અધિકારી, કર્મચારી અને પેન્શનરે નવી દિલ્હીના નેશનલ હેલ્થ ઓથોરિટીના રજીસ્ટ્રેશન માટેના પોર્ટલ પર ગુજરાત કર્મયોગી હેલ્થ સિક્યુરિટી સ્કીમને જી કેટેગરીને એકીકૃત એટલે કે ઈન્ટિગ્રેટ કરેલ છે.
મોબાઈલ નંબરનો જ લોગીન માટે ઉપયોગ કરવાનો રહેશે
લાભાર્થીએ નેશનલ હેલ્થ ઓર્થોરિટીના પોર્ટલ પર બેનિફિશિયરીમાં લોગીન કરવાનું રહેશે અને આ માટે કર્મચારી- અધિકારી દ્વારા પોતાના આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર આપેલ છે તે મોબાઈલ નંબરનો જ લોગીન માટે ઉપયોગ કરવાનો રહેશે. ઓપરેટર દ્વારા જિલ્લાની તેમજ અન્ય માહિતી અધિકારી પાસેથી લેવાની રહેશે. માહિતી કર્મયોગી પોર્ટલ ઉપર તેમજ પેન્શનર કચેરી દ્વારા જે ડેટા ટ્રેઝરી ઓફિસમાંથી અપલોડ કરેલ હોય તે મુજબની હોવી જોઈશે.
લાઈવ ફોટો ફરજિયાત રીતે અપલોડ કરવાનો રહેશે
જી કેટેગરીના આધાર કાર્ડ માટે એચઆરપીએન અને પીપીઓ નંબરની માહિતી અને લગત વિભાગના અધિકૃત કરેલ અધિકારી દ્વારા પ્રમાણિત કરેલ ઠરાવમાં આપેલ ફોર્મેટ મુજબનું અંગ્રેજીમાં પ્રમાણપત્ર તેમજ લાઈવ ફોટોને પણ નેશનલ હેલ્થ ઓથોરિટી ના પોર્ટલ પર ફરજિયાત રીતે અપલોડ કરી સબમીટ કરવાનું રહેશે.
ક્રોસ ચેક થયા પછી રેકોર્ડને સબમિટ કરવાનું રહેશે
આ પ્રક્રિયા દરમિયાન ઉચ્ચ અધિકારી દ્વારા પ્રમાણિત કરેલ વિભાગીય પ્રમાણપત્ર પણ અપલોડ કરવાની સૂચના આપવામાં આવી છે. આવા પ્રમાણપત્રમાં એચઆરપીએન-પીપીઓ નંબર સમાવતો ઉલ્લેખ જરૂરી છે અને તેમાં જે તે અધિકારી કર્મચારી કે પેન્શનરના પરિવારના સભ્યોની વિગતો પણ જણાવવાની રહેશે. આવી વિગતો આપ્યા પછી મેળવેલ ડેટા સાથે ક્રોસ ચેક કરવાની પણ જવાબદારી અધિકારીઓની બની રહેશે અને ક્રોસ ચેક થયા પછી રેકોર્ડને સબમિટ કરવાનું રહેશે. પોર્ટલ પર ઓનલાઇન પ્રક્રિયા પૂરી થયા પછી કર્મચારીઓ- અધિકારીઓ અને પેન્શનર પોતાની રીતે જ પોતાનું આયુષ્યમાન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરી શકશે.