ગીર સોમનાથ જિલ્લાના તાલાલા અને તેની આસપાસના પંથકમાં આજે બપોરના સમયે અચાનક જમીન ધ્રૂજી ઊઠતાં સ્થાનિક રહીશોમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. બપોરે ૧.૫૯ વાગ્યાથી લઈને ૨.૧૦ વાગ્યા સુધીના ટૂંકા ગાળામાં એટલે કે માત્ર ૧૨ મિનિટની અંદર ભૂકંપના બેક-ટુ-બેક ત્રણ આંચકા નોંધાયા હતા. એક પછી એક સતત આવેલા આ આંચકાઓને કારણે લોકો પોતાના ઘરો અને દુકાનોમાંથી બહાર દોડી આવ્યા હતા.
સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરના અહેવાલ મુજબ, ભૂકંપનો પહેલો આંચકો બપોરે ૧.૫૯ વાગ્યે અનુભવાયો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૪ની નોંધાઈ હતી. ત્યારબાદ માત્ર ત્રણ જ મિનિટ પછી એટલે કે બપોરે ૨.૦૨ વાગ્યે બીજો આંચકો આવ્યો હતો, જે ૨.૯ની તીવ્રતાનો હતો. જ્યારે બપોરે ૨.૧૦ વાગ્યે ૧.૭ની તીવ્રતાનો ત્રીજો આંચકો નોંધાયો હતો. ટૂંક સમયમાં જ સતત આંચકા આવતાં સમગ્ર વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી.
ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, આ ત્રણેય ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ (એપીસેન્ટર) તાલાલાથી ૧૧ કિલોમીટર દૂર નોંધાયું હતું. તેમજ આ આંચકાઓ જમીનમાં આશરે ૭.૮ કિલોમીટરની ઊંડાઈએથી ઉત્પન્ન થયા હતા. જમીનમાં ઓછી ઊંડાઈ હોવાના કારણે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આંચકાની અસર વર્તાઈ હતી.
જોકે, આ ભૂકંપની તીવ્રતા મધ્યમ અને ઓછી હોવાના કારણે સદનસીબે કોઈ જાનહાનિ કે મોટી મિલકતને નુકસાન થયાના અહેવાલ નથી. આમ છતાં, ગીર સોમનાથ અને તાલાલા પંથક ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતો હોવાથી સ્થાનિક તંત્ર અને નાગરિકોમાં સતર્કતા જોવા મળી રહી છે.