BREAKING NEWS

રાજકોટમાં પારકી પરિણીતા સાથે દર્શન કરવા ગયેલા યુવકને લમધાર્યો, મહિલાના પતિ અને પુત્રે માથામાં કુકરના ઢાંકાણાના ઘા મારી ફ્રેકચર કરી દીધું

  • October 24, 2026 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પરસાણાનગરમાં રહેતો ગ્રાફિક ડિઝાઇનર યુવાન પારકી પરિણીતા સાથે મંદિરે દર્શને જતા આ મહિલાના પતિ અને પુત્રે યુવાનને ઘરે બોલાવી માથાના ભાગે કુકરના ઢાંકણાના ઘા ફટકારી ફ્રેકચર કરી દીધુ હતું. જે અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે ગાયકવાડીમાં રહેતા પિતા-પુત્ર સામે ગુનો નોંધ્યો છે.

શહેરના જામનગર રોડ પરસાણાનગરમાં રહેતા ગ્રાફિક ડિઝાઇનર યુવાન સત્યદેવ મહેશભાઈ હિરાણી (ઉ.વ. 41) દ્વારા પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે જંકશન પ્લોટ વિસ્તારમાં ગાયકવાડી શેરી નંબર પાંચમાં રહેતા મોહમ્મદ પરમાર અને તેનો પુત્ર રાહુલ પરમારના નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, અગાઉ મોહમ્મદ પરમાર તેમના પત્ની ઝરીનાબેન અને પુત્ર રાહુલ તેમના પાડોશમાં રહેતા હોય જેથી તેમને આવવા જવાનો વ્યવહાર હતો. બાદમાં તેઓ ગાયકવાડીમાં રહેવા જતા રહ્યા હતા. પરંતુ છેલ્લા બે વર્ષથી જરીનાબેન તેના પુત્ર રાહુલ સાથે ફરિયાદી સંપર્કમાં હોય અને ઝરીનાબેન સાથે ટેલિફોનિક વાતચીત કરતા અને ક્યારેક ધાર્મિક સ્થળોએ દર્શન કરવા સાથે જતા હતા.

ગઈ તા. 13-10 ના સાંજે ચારેક વાગ્યે યુવાન ઝરીનાબેન સાથે સાત હનુમાન મંદિરે દર્શન કરવા ગયો હતો. ત્યારબાદ તા. 15-6 ના સાંજે ઝરીનાબેનના પુત્ર રાહુલનો ફોન આવ્યો હતો અને પૂછ્યું હતું કે, મારા મમ્મીને તમે ફોન કર્યો હતો? જેથી યુવાને પહેલા ના પાડી હતી બાદમાં રાહુલે કહ્યું હતું કે જો તું અત્યારે નહીં આવે તો વાત લાંબી થશે. જેથી યુવાન અહીં ગાયકવાડી શેરી નંબર પાંચમાં મહંમદભાઈના ઘરે જતા અહીં મોહમ્મદભાઈ તેની પત્ની ઝરીનાબેનને માર મારતા હતા. બાદમાં યુવાનને મોહમ્મદ તથા તેના પુત્ર રાહુલ ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ દાદરેથી ઢસડી નીચેના માળે હોલમાં લઈ ગયા હતા. જ્યાં મોહમ્મદે યુવાને કૂકરના ઢાંકણા વડે માથાનાભાગે આઠથી દસ ઘા મારી દીધા હતા જેથી તે લોહીલુહાણ થઈ ગયો હતો.

દરમિયાન ઝરીનાબેને બારણું ખોલી બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ મહમદભાઈએ તેને ખેંચી પાછા અંદર લઈ ગયા હતા યુવાને બહાર નીકળવાની કોશિશ કરતા તેને ગરદનથી પકડી અહીં બેસાડી દીધો હતો. બાદમાં રાહુલે યુવાનને ધમકી આપી હતી કે તારું એક્સિડન્ટ કરી જાનથી મારી નાખીશું તેમ કહી છરી બતાવી ઢીકાપાટુનો માર્યો હતો. બાદમાં આ મોહમ્મદે યુવાનને ધમકી આપી હતી કે, જો પોલીસ ફરિયાદ કરતો નહીં બાકી તારી ખેર નથી. તું દુનિયાભરના કોઈપણ ખૂણે હોઈશ ત્યાં તારા આંતરડા બહાર કાઢી નાખીશ અને તારા આખા ખાનદાનને પતાવી દઈશ. દરમિયાન પોલીસ આવી જતા ત્યારબાદ યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ હુમલામાં યુવાનને માથાના ભાગે ફેક્ચર થઈ ગયું હોય હોસ્પિટલેથી રજા અપાયા બાદ તેણે આ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application