રાજ્યમાં વધતા શહેરીકરણ, ઔદ્યોગિક વિકાસ તેમજ બુલેટ ટ્રેન, હાઈવે, નહેર અને અન્ય માળખાગત પ્રોજેક્ટોને પગલે ખેતીની જમીન સતત નાની થતી જઈ રહી છે. આ બદલાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે વર્ષ 1947ના જમીન ટુકડા અટકાવવા અને એકત્રીકરણ અધિનિયમ (ટુકડા ધારો)માં સુધારા કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ માટે રાજ્ય સરકારે હિતધારક ખેડૂતો અને નાગરિકો પાસેથી 7 ફેબ્રુઆરી સુધી સૂચનો મંગાવ્યા છે.
મહેસૂલ વિભાગે કાયદામાં સુધારા માટે વિધેયકનો ડ્રાફ્ટ તૈયાર કર્યો
હાલના ટુકડા ધારા મુજબ બિન પિયત વિસ્તારોમાં 80.94 ગુંઠા અને પિયત ધરાવતા વિસ્તારોમાં 20.24 ગુંઠાથી ઓછી ખેતીની જમીનમાં વેચાણ અથવા તબદીલીની મંજૂરી આપવામાં આવતી નથી. પરંતુ શહેરીકરણ અને સરકારી પ્રોજેક્ટોના કારણે મોટી સંખ્યામાં ખેતીની જમીન ટુકડાઓમાં વિભાજીત થઈ રહી છે, જેના કારણે ખેડૂતોને વારસાઈ, ભાગલા અથવા વેચાણ સમયે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાઓને દૂર કરવા મહેસૂલ વિભાગે કાયદામાં સુધારા માટે વિધેયકનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.
લઘુત્તમ ક્ષેત્રફળ 10 ગુંઠા નક્કી કરવાની સૂચના આપવામાં આવી
જમીન સુધારણા એકમ દ્વારા જાહેર કરાયેલા પ્રસ્તાવ મુજબ કાયદાની કલમ-9(3) હેઠળ નવી પેટા કલમ-4 દાખલ કરવાની ભલામણ કરવામાં આવી છે. આ જોગવાઈ અનુસાર શહેરી તેમજ ગ્રામિણ વિસ્તારોમાં સરકાર જે દંડ નક્કી કરે તે ભરીને ટુકડા ધારાના ભંગના કિસ્સામાં જમીનની તબદીલી અથવા વેચાણને નિયમિત કરી શકાશે. સાથે જ કલમ-3, 4 અને 5 હેઠળ આવતી તમામ ખેતીની જમીન માટે લઘુત્તમ ક્ષેત્રફળ 10 ગુંઠા નક્કી કરવાની સૂચના આપવામાં આવી છે.
10 ગુંઠાથી ઓછી જમીનના ટુકડાઓમાં પણ છૂટછાટ આપવા પ્રસ્તાવ કરવામાં આવ્યો
આ સુધારા બાદ જો વારસાઈ, ભાગલા, બિનખેતી (NA) મંજૂરી અથવા હકપત્રકમાં નોંધના તબક્કે ખેતીની જમીન 10 ગુંઠા કે તેથી વધુ હશે તો તેની તબદીલી અને વેચાણને મંજૂરી મળી શકશે. હાલ વિવિધ વિસ્તારોમાં લાગુ 20.24થી 80.94 ગુંઠાની મર્યાદા કારણે ઘણી જમીનોમાં વ્યવહાર શક્ય બનતો નથી. જો કે, મહેસૂલ વિભાગના ડ્રાફ્ટમાં સરકારી સંપાદન અથવા કુદરતી ભૌગોલિક પરિસ્થિતિઓ બદલાતાં 10 ગુંઠાથી ઓછી જમીનના ટુકડાઓમાં પણ છૂટછાટ આપવા પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.
આ કાયદાને થોડી ઢીલ આપવામાં આવી
ઉલ્લેખનીય છે કે 1947ના ટુકડા ધારાનો મૂળ હેતુ એવો હતો કે પરિવારો વધતા ખેતીની જમીન અતિ નાની ન બને અને ખેતી આધારિત જીવનનિર્વાહ તથા ઉત્પાદકતા જળવાઈ રહે. પરંતુ વર્તમાન સમયમાં ગુજરાતમાં શહેરીકરણ, ઔદ્યોગિકરણ અને વીજ, નહેર, રસ્તા તથા રેલ્વે જેવા વિકાસલક્ષી પ્રોજેક્ટોના કારણે લાખોની સંખ્યામાં જમીનો ટુકડાઓમાં વિભાજીત થઈ ગઈ છે. શહેરી વિસ્તારો અને ટાઉન પ્લાનિંગ ધરાવતા ક્ષેત્રોમાં તો પહેલેથી જ આ કાયદાને થોડી ઢીલ આપવામાં આવી છે.
કલમ-7 મુજબ પ્રતિબંધિત નોંધો બંધ થશે
પ્રસ્તાવિત સુધારા અમલમાં આવ્યા બાદ 7-12 ઉતારામાં ‘ટુકડો’ અથવા કલમ-7 મુજબ પ્રતિબંધિત નોંધો બંધ થશે. વારસાઈ અને ભાગલા સરળ બનશે, પારીવારીક વિખવાદો અને મહેસૂલી કેસોમાં ઘટાડો થશે. પડોશીને મળતો પહેલો હક રદ્દ થતાં ખેડૂતો પોતાની જમીનનો ઉપયોગ વધુ સ્વતંત્ર રીતે કરી શકશે. ઉપરાંત, વેચાણ દસ્તાવેજ પછી રેકર્ડમાં નોંધ ન થવાથી દસ્તાવેજ રદ્દ થવાની સમસ્યા પણ દૂર થશે. સરકારનો આ નિર્ણય ખેડૂતો અને જમીનધારકો માટે રાહતરૂપ સાબિત થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.