ગુજરાત સરકાર ટાઉન પ્લાનિંગ (ટીપી) સ્કીમ હેઠળ આવતા વિસ્તારોમાં બિનખેતી (એનએ) પરમિશનની ફરજિયાત શરત દૂર કરવાની તૈયારીમાં છે. જો આ નિર્ણય અમલમાં આવે, તો રહેણાંક, વ્યાવસાયિક, મિશ્ર ઉપયોગ તથા ઔદ્યોગિક પ્રોજેક્ટ માટે હવે રેવન્યુ વિભાગ પાસેથી એનએ સર્ટિફિકેટ લેવાની જરૂર નહીં રહે.
ગાંધીનગરમાં યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં, જેમાં ભારત સરકારના અધિકારીઓ તથા રાજ્ય સરકારના તમામ વિભાગોના સચિવો હાજર હતા, ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને ખાતરી આપી હતી કે કે રાજ્યમાં ડ્રાફ્ટ તેમજ અંતિમ ટીપી સ્કીમ હેઠળના વિસ્તારોમાં એનએ પરમિશનની શરત હટાવવામાં આવી શકે છે.
હાલમાં એનએ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા બહુ સમયખોર હોવાનું જણાવાયું છે. ઘણા કિસ્સાઓમાં અરજદારોને બે વર્ષ કે તેથી વધુ સમય સુધી રાહ જોવી પડી છે. આ કારણે ઉદ્યોગો, રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ, હોસ્પિટલ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને મિશ્ર ઉપયોગના પ્રોજેક્ટોમાં ભારે વિલંબ થયો છે.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, આવા વિલંબથી પ્રોજેક્ટની કિંમત વધે છે અને રાજ્યના કુલ વિકાસ પર નકારાત્મક અસર પડે છે. ઉપરાંત, એનએ પરમિશનની ફરજિયાત શરતને કારણે જિલ્લા કક્ષાએ ભ્રષ્ટાચાર પણ વધ્યો હોવાના આરોપો છે.
તાજેતરમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલની એનએ અને જમીન ઉપયોગ બદલવાની અરજીમાં લાંચ લેવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કાર્યવાહી કર્યા બાદ રાજ્ય સરકારે તેમને સસ્પેન્ડ કર્યા હતા. જો સરકાર એનએ પરમિશન દૂર કરવાનો નિર્ણય લે છે, તો પ્રોજેક્ટોને ઝડપી મંજૂરી મળશે અને રાજ્યના વિકાસને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.