BREAKING NEWS

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, VCEને આ કામ માટે ચૂકવવામાં આવશે એકસ્ટ્રા રૂપિયા

  • December 12, 2025 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કમિશન બેઝ પર વીસીઈ તરીકે કાર્ય કરતા યુવાઓને મહત્તમ આવક મળે તેવો સંવેદના સ્પર્શી અભિગમ અપનાવ્યો છે. તેમણે આ સંદર્ભમાં એવો નિર્ણય કર્યો છે કે, વીસીઈને રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા સોંપવામાં આવતી કામગીરી માટે ન્યુનતમ રૂપિયા 20 ચૂકવવામાં આવશે.  ઇન્‍ફર્મેશન ટેકનોલોજીના માધ્‍યમથી શહેરી વિસ્તારમાં મળતી ઇ-સેવાઓ જેવી ઇ-સેવાઓ ગ્રામકક્ષાએ મળી રહે તે આશયથી રાજ્ય સરકારે ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં મૂકી છે. 


૭/૧ર, ૮-અ અને હક્કપત્રની નકલ, ખેડૂત રજિસ્ટ્રેશન, વિવિધ ખેતપેદાશોની ટેકાના ભાવે ખરીદી, જન્મ-મરણના દાખલા, આવકનું પ્રમાણપત્ર, રેશનકાર્ડમાં સુધારા-વધારા કરવાના ફોર્મ ભરવા જેવી સેવાઓ ગ્રામ્ય કક્ષાએ ગ્રામજનોને ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (V.C.E.) દ્વારા આપવામાં આવે છે. આ ઉપરાંત, રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (V.C.E.) ને વિવિધ યોજનાઓની ડેટાએન્ટ્રી સંબંધિત કામગીરી પણ સોંપવામાં આવતી હોય છે. આ માટે દરેક કામગીરીમાં યુનિટદીઠ ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (V.C.E.) ને કમિશન પેટે ચુકવવાની થતી રકમ સબંધિત વિભાગ દ્વારા નિયત કરવામાં આવે છે. 


આના કારણે જુદી જુદી કામગીરી અને જુદા જુદા વિભાગો દ્વારા નિયત કરવામાં આવતી મહેનતાણાની રકમ અલગ અલગ ધોરણે કરવામાં આવતી હોવાથી મહેનતાણામાં સમાનતા જળવાતી નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધ્યાનમાં આ વિષય આવતાં તેમણે ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની ગાંધીનગરમાં તાજેતરમાં યોજાયેલી 12મી ગવર્નિંગ બોડીની બેઠકના અધ્યક્ષસ્થાનેથી વી.સી.ઈ.ના મહેનતાણામાં સમાનતા માટે તત્કાલ સૂચનાઓ આપી હતી. 


મુખ્યમંત્રીના આ દિશા નિર્દેશોને પગલે પંચાયત વિભાગે પરિપત્ર કરીને રાજ્ય સરકારના વિભાગોને જણાવ્યું છે કે હવે કોઈપણ કામગીરી માટે વી.સી.ઇ.ને યુનિટ દિઠ ન્યુનતમ રૂ. 20નું મહેનતાણું આપવાનું રહેશે.  એટલું જ નહીં, સંબંધિત વિભાગોએ વી.સી.ઈ.ને કામગીરી સોંપતા પહેલા પંચાયત વિભાગ તથા ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીને જાણ પણ કરવાની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application