ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સીઝનમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના આંકડા મુજબ, રાજ્યમાં કુલ ૧,૧૨૫ મીમી વરસાદ નોંધાયો હતો, જે લાંબા ગાળાના સરેરાશ (એલપીએ) ૯૨૭ મીમી કરતાં આશરે ૩૧ ટકા વધારે છે. આ આંકડાઓ દર્શાવે છે કે આ વર્ષે વરસાદની તીવ્રતા અને વિતરણ સામાન્ય પેટર્નથી થોડુંક જુદું રહ્યું છે.
સામાન્ય રીતે, ગુજરાતમાં ચોમાસાના ચાર મહિનામાં જુલાઈ અને ઓગસ્ટ વરસાદના પીક મહિના ગણાય છે. મોટા ભાગે ખેતી માટેનો મુખ્ય આધારભૂત પાણીનો સ્ત્રોત આ બે મહિનામાં જ ઉપલબ્ધ થાય છે. પરંતુ આ વર્ષે નોંધપાત્ર રીતે જૂન મહિનામાં અને દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના વિદાયના મહિનામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો જયારે સૌરાષ્ટ્રમાં સપ્ટેમ્બર મહિનામાં ડબલ વરસાદ પડ્યો હતો. આ પરિસ્થિતિએ નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું છે, કારણ કે વરસાદનું આ વિતરણ ખેતીચક્ર અને પાણીના સંગ્રહની પદ્ધતિઓને સીધી અસર કરે છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, છેલ્લા ચાર વર્ષના વરસાદના આંકડાનો અભ્યાસ કરવાથી સ્પષ્ટ થાય છે કે જુલાઈ અને ઓગસ્ટ મહિના સામાન્ય રીતે સૌથી વધુ વરસાદ આપે છે. 2020, 2022 અને 2023માં પણ એ જ સ્થિતિ રહી હતી. પરંતુ 2021માં અપવાદરૂપ રીતે સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો, જે સામાન્ય પેટર્નથી ભિન્ન હતો. આ વર્ષે ફરી એકવાર જૂન અને સપ્ટેમ્બર માસમાં વરસાદની ઉદારતા જોવા મળી.
વિભાગના અહેવાલમાં જણાવાયું છે કે, આ બદલાતી પેટર્નને કારણે રાજ્યના કૃષિ ક્ષેત્રમાં સીધી અસર પડી રહી છે. ખેડૂતો સામાન્ય રીતે જૂનના અંત ભાગથી ખેતરમાં વાવણીની કામગીરી શરૂ કરે છે, કારણ કે આ સમયે વરસાદની શરૂઆત થતી હોય છે.
હવામાન નિષ્ણાતો માને છે કે, વરસાદનું આ બદલાતું સ્વરૂપ વૈશ્વિક હવામાન પરિવર્તન સાથે સંકળાયેલું હોઈ શકે છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં થતા ચક્રવાતો, પવનપ્રવાહના દિશામાં થતા ફેરફારો તથા તાપમાનના ઉતાર-ચઢાવને કારણે ચોમાસાના વિતરણ પર સીધી અસર થાય છે. આ વર્ષે પણ જૂન મહિનામાં અરબ સાગર નજીક સક્રિય સિસ્ટમોના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગે ગુરુવારે જાહેર કરેલા પોતાના વ્યાપક અહેવાલમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં આ ચોમાસું સંતોષકારક અને સરેરાશથી વધારે ગણાવી શકાય છે. પરંતુ સાથે સાથે તેમણે ખેડૂતો અને સ્થાનિક સંસ્થાઓને ચેતવણી આપી છે કે વરસાદના નવા પેટર્નને ધ્યાનમાં રાખીને વાવણી, સિંચાઈ અને પાણીના સંચાલનની વ્યૂહરચના બદલવાની જરૂર છે.