નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ને મહાત્મા ગાંધી ગ્રામીણ વિકાસ વર્ષ જાહેર કરવા જામજોધપુર-લાલપુરના ધારાસભ્ય હેમત ખવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવીને રજૂઆત કરી છે.
ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને એક ધારદાર પત્ર લખીને ગ્રામીણ ગુજરાતના વિકાસ માટે વિકાસલક્ષી માંગણીઓ કરવામાં આવી છે. પત્રમાં જણાવ્યા અનુસાર, રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ ને મુખ્યમંત્રી શહેરી સ્વર્ણિમ વિકાસ વર્ષ તરીકે ઉજવીને શહેરો પાછળ ગામડાઓ કરતા બમણાથી વધુ રકમ ફાળવવામાં આવી છે, જે ગ્રામીણ વસ્તી સાથે મોટો અન્યાય છે. આઝાદીના ૭૮ વર્ષ પછી પણ પૂરતા બજેટના અભાવે ખેતી, પશુપાલન, શુદ્ધ પીવાનું પાણી અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓમાં ગામડાઓ આજે પણ પછાત છે તે બાબતે પત્રમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
બંધારણીય જોગવાઈઓનો હવાલો આપતા હેમંત ખવાએ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, રાજ્ય સરકાર નાણાપંચની રચનામાં સતત વિલંબ કરીને ગ્રામીણ વિસ્તારોના હિતોને નુકસાન પહોંચાડી રહી છે. વર્ષ ૨૦૧૧ થી ૨૦૨૪ સુધી નાણાપંચની રચના ન થવી અને ત્યારબાદ પણ માત્ર અધ્યક્ષની નિમણૂક કરી સભ્યોની નિમણૂકમાં વિલંબ કરવો એ સરકારની ઉદાસીનતા દર્શાવે છે, જેના કારણે ગામડાઓને મળવાપાત્ર આર્થિક લાભો મળી શક્યા નથી. ગાંધીજીના પગ્રામ સ્વરાજથના વિચારને સાર્થક કરવા માટે વર્ષ ૨૦૨૬-૨૭ ના નાણાકીય વર્ષમાં કુલ બજેટની ૧૫% રકમ સીધી ગામડાઓના વિકાસ માટે ફાળવવાની માંગ પત્રમાં કરવામાં આવી છે.
ગામડાના વહીવટના મુખ્ય સ્તંભ સમાન સરપંચોના અધિકારો અને વેતન અંગે પણ પત્રમાં રજૂઆત કરવામાં આવી છે. હાલમાં ગુજરાતમાં અપૂરતા સ્ટાફને કારણે એક તલાટી મંત્રી પાસે બે થી ત્રણ ગામોનો હવાલો હોય છે, જેનાથી સરપંચો પર કામનું ભારણ વધ્યું છે. આથી, મહાનગરપાલિકાના કોર્પોરેટરોની જેમ જ સરપંચોને પણ માસિક રૂ. ૯૦૦૦ માનદ વેતન અને મુસાફરી ભથ્થું આપવાની જોગવાઈ આગામી બજેટમાં કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે. રાજ્યની ૫૪ ટકા જનતા જે ગામડાઓમાં વસે છે તેમના હકના નાણાં ફાળવીને સાચા અર્થમાં બાપુને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવે તેવી આશા હેમંત ખવાએ વ્યક્ત કરી છે.