કેરળમાં આયોજિત કોંગ્રેસની એક જાહેર સભામાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ વિરુદ્ધ કરવામાં આવેલી અત્યંત વિવાદાસ્પદ ટિપ્પણીએ રાજકીય ગરમાવો વધારી દીધો છે. ખડગેએ ગુજરાતીઓને 'અભણ' અને 'મૂર્ખ' ગણાવતા જ સમગ્ર ગુજરાતની અસ્મિતા પર મોટો હુમલો થયો હોવાની છાપ જનમાનસમાં ઉપસી છે. પ્રચારમાં મર્યાદા ઓળંગીને કરવામાં આવેલું આ દુસાહસ કોઈપણ ગુજરાતીનું લોહી ઉકાળી દે તેવું છે. ખડગેના આ નિવેદન સામે સોશિયલ મીડિયામાં પ્રચંડ વિરોધ જોવા મળી રહ્યો છે. ગુજરાતની જનતા આજે આક્રમક મૂડમાં છે અને કોંગ્રેસ અધ્યક્ષ પાસે કેટલાક તીખા સવાલો પૂછી રહી છે.
સૌથી મોટો પ્રશ્ન એ ઉઠે છે કે જે ભૂમિએ દેશને આઝાદી અપાવનાર અને આપણા રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી અને અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા રત્નો આપ્યા, શું તે મહાપુરુષો પણ ખડગેની નજરમાં 'અભણ' છે? આ મહાનુભાવોની બૌદ્ધિક ક્ષમતા અને નેતૃત્વએ વિશ્વભરમાં ભારતની ઓળખ પ્રસ્થાપિત કરી છે, ત્યારે તેમને આપેલા વિશેષણો આખા દેશનું અપમાન છે.
ગુજરાતની ધરતી નરસિંહ મહેતા, ઝવેરચંદ મેઘાણી, કનૈયાલાલ મુનશી અને ઉમાશંકર જોશી જેવા સાહિત્યના વિરલાઓની છે. જ્ઞાનના સાગર સમાન આ મહાનુભાવોએ ભારતીય સંસ્કૃતિ અને ભાષાને જે ઊંચાઈએ પહોંચાડી છે, તેને જોતા ખડગેનું નિવેદન તેમની બૌદ્ધિક દેવાળિયાપણું છતું કરે છે. શું આ જ્ઞાનના ઉપાસકો પણ કોંગ્રેસની નજરમાં મૂર્ખ છે?
આજે માત્ર ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના ઉદ્યોગ જગત અને રાજનીતિમાં ગુજરાતીઓનો ડંકો વાગી રહ્યો છે. અર્થતંત્રને ગતિ આપનારા સાહસિક ઉદ્યોગપતિઓથી લઈને વૈશ્વિક ફલક પર ભારતનું નામ રોશન કરનારા નેતાઓ ગુજરાતી છે. શું આ પ્રગતિશીલ સમાજને અભણ કહેવો એ લોકશાહીમાં વ્યાજબી છે? નવાઈની વાત તો એ છે કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ પોતે ગુજરાતી જ છે તો શું ખડગેના મતે તેમના પોતાના પક્ષના નેતાઓ પણ અભણ અને મૂર્ખની શ્રેણીમાં આવે છે?
સમગ્ર ગુજરાતમાં ખડગેના આ નિવેદનને વખોડવામાં આવી રહ્યું છે. જનતામાં એવી લાગણી છે કે રાજકીય હાર અને હતાશામાં કોંગ્રેસ હવે વ્યક્તિગત આક્ષેપો છોડીને આખી જ્ઞાતિ અને પ્રદેશનું અપમાન કરવા પર ઉતરી આવી છે. ગુજરાતની જનતાએ એકસૂરે માંગ કરી છે કે મલ્લિકાર્જુન ખડગે પોતાના શબ્દો પાછા ખેંચે અને જાહેર મંચ પરથી ગુજરાતની માફી માંગે. જો તેમ કરવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં કોંગ્રેસે ગુજરાતમાં ભારે રાજકીય કિંમત ચૂકવવી પડી શકે છે.