BREAKING NEWS

ગુજરાતના લોકસભા સાંસદો ગ્રાન્ટ વાપરવામાં કંજૂસ, 384 કરોડની સામે 82.47 કરોડ રૂપિયા જ વાપર્યા, જાણો કોણે સૌથી વધુ ખર્ચ કર્યો

  • May 25, 2026 12:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાંથી રાજ્યસભાની જેમ લોકસભાના સાંસદો પણ પોતાના મતવિસ્તારના વિકાસ માટે મળતી ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં ઉણા ઉતર્યા હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. આગામી ચોથી જૂનના રોજ ૧૮મી લોકસભાને ત્રણ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, ત્યારે સામે આવેલા આંકડા ચોંકાવનારા છે. ગુજરાતના કુલ ૨૬ લોકસભા સાંસદોને ફાળવવામાં આવેલી રૂપિયા ૩૮૪ કરોડની માતબર ગ્રાન્ટમાંથી અત્યાર સુધીમાં માત્ર રૂપિયા ૮૨.૪૭ કરોડ જ ખર્ચવામાં આવ્યા છે. આનો અર્થ એ થાય કે રાજ્યના લોકસભાના સાંસદો પોતાના કાર્યકાળના ત્રણ વર્ષ વિતવા છતાં માત્ર ૨૧ ટકા જેટલી જ રકમનો ઉપયોગ વિકાસ કાર્યો માટે કરી શક્યા છે.

મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ દરેક લોકસભા સાંસદને દર વર્ષે રૂપિયા પાંચ કરોડ રૂપિયાની ગ્રાન્ટ સ્થાનિક વિકાસ કામો માટે ફાળવવામાં આવે છે. આ હિસાબે પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન તેઓ કુલ રૂપિયા પચ્ચીસ કરોડના વિકાસ કામોની ભલામણ કરી શકે છે. આ યોજના હેઠળ સાંસદ માત્ર કામો સૂચવી શકે છે, જ્યારે તેના માટેની ટેન્ડર પ્રક્રિયા અને ખર્ચની વાસ્તવિક જવાબદારી જિલ્લા કલેક્ટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને સંબંધિત સરકારી વિભાગોની હોય છે. કેન્દ્ર સરકારના મિનિસ્ટરી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન દ્વારા આ સમગ્ર યોજનાનું રાષ્ટ્રીય સ્તરે મોનિટરિંગ કરવામાં આવે છે.

બીજી તરફ, રાજ્યના અનેક દિગ્ગજ અને હાઈપ્રોફાઈલ નેતાઓ વિકાસ ગ્રાન્ટ વાપરવામાં ખૂબ જ પાછળ રહી ગયા છે. પોતાના વિસ્તારમાં ૧૫ ટકાથી પણ ઓછી રકમ ખર્ચનારા સાંસદોમાં દેશના ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ, પોરબંદરના ડૉ. મનસુખ માંડવિયા, બનાસકાંઠાનાં ગેનીબેન ઠાકોર, જામનગરનાં પૂનમ માડમ, અમદાવાદ પશ્ચિમના દિનેશ મકવાણા, અમદાવાદ પૂર્વના હસમુખ પટેલ, દાહોદના જસવંતસિંહ ભાભોર, પંચમહાલના રાજપાલસિંહ જાદવ અને બારડોલીના પ્રભુભાઈ વસાવાનો સમાવેશ થાય છે. આ આંકડા દર્શાવે છે કે વહીવટી પ્રક્રિયાની ધીમી ગતિ કે અન્ય કારણોસર સ્થાનિક જનતા સુધી હજુ પૂરતો વિકાસ પહોંચી શક્યો નથી.

કેટલાક સાંસદોએ ફાળવેલી ગ્રાન્ટમાંથી ત્રણથી ચાર કરોડથી વધુનો જ ખર્ચ કર્યો છે. જેમાં જુનાગઢના રાજેશ ચુડાસમા રૂ.૪.૬૩ કરોડ, સુરેન્દ્રનગરના ચંદુભાઈ શિહોરા રૂ.૪.૫૦ કરોડ, વડોદરાના ડૉ. હેમાંગ જોશી રૂ.૪.૩૫ કરોડ અને સાબરકાંઠાના શોભનાબેન બારૈયા રૂ.૪.૩૫ કરોડનો સમાવેશ થાય છે. આ સિવાય ખેડાના દેવુસિંહ ચૌહાણ, કચ્છના વિનોદ ચાવડા, વલસાડના ધવલ પટેલ અને મહેસાણાના હરિભાઈ પટેલે પણ સરેરાશ સારું પ્રદર્શન કરીને ગ્રાન્ટ વાપરી છે.

યાદીમાં સૌથી ઓછો ખર્ચ કરનારા સાંસદોમાં દેશના ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહનું નામ સૌથી નીચે છે, જેમણે રૂ.૧૪.૭૦ કરોડની ગ્રાન્ટમાંથી માત્ર રૂ.૪૧.૪૭ લાખ જ ખર્ચ કર્યા છે. અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણાએ રૂ.૧૬.૦૪ કરોડની મોટી રકમમાંથી માત્ર રૂ.૮૦ લાખ વાપર્યા છે. આ સિવાય જામનગરના પૂનમ માડમ રૂ.૧.૫૪ કરોડ અને અમદાવાદ પૂર્વના હસમુખ પટેલ રૂ.૧.૫૩ કરોડ પણ ગ્રાન્ટ વાપરવામાં ઘણા પાછળ રહ્યા છે.


સૌથી વધુ ગ્રાન્ટ વાપરનાર સાંસદો

ગ્રાન્ટનો મહત્તમ ઉપયોગ કરનારા સાંસદોમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા મોખરે છે, જેમણે રૂ.૧૪.૭૦ કરોડની ફાળવણીમાંથી રૂ.૫.૭૫ કરોડનો ખર્ચ કર્યો છે. પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ રૂ.૫.૫૭ કરોડ અને અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ રૂ.૫.૦૮ કરોડનો વિકાસ કાર્યો પાછળ ખર્ચ કર્યો છે. આ ઉપરાંત, નવસારીના સાંસદ સી.આર. પાટીલે સૌથી વધુ રૂ.૧૫.૮૫ કરોડની ફાળવેલી રકમમાંથી રૂ.૫.૩૬ કરોડનો ઉપયોગ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News