કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ અને કુંવરજી બાવળિયા પહેલેથી જ કેબિનેટ મંત્રી હોય તેઓએ શપથ લીધા નહોતા, ત્રણ ધારાસભ્યોને રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે અને 12 ધારાસભ્યોએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા

ગુજરાતનું મંત્રીમંડળનું કદ વધ્યું છે. નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત 26 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ મંત્રીઓએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં મંત્રી પદના શપથ લીધા. જેમાં સાડા ત્રણ વર્ષ બાદ ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ શપથ લીધા. હર્ષ સંઘવી સૌથી નાની વયના નાયબ મુખ્યમંત્રી બન્યા છે. તેમજ જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા, રમણભાઈ સોલંકી અને નરેશ પટેલે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. જ્યારે પરસોત્તમ સોલંકી, કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ અને કુંવરજી બાવળિયા પહેલેથી જ કેબિનેટ મંત્રી હોય તેઓએ શપથ લીધા નહોતા. જ્યારે કેબિનેટમાં એક પણ મહિલાને સ્થાન આપવામાં આવ્યું નથી.

રાજ્યકક્ષાના મંત્રીઓ તરીકે કોણે કોણે શપથ લીધા
ઈશ્વરભાઈ પટેલ, પ્રફુલ પાનસેરિયા અને મનિષા વકીલે રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે શપથ લીધા હતા. જ્યારે કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શના વાઘેલા, કૌશિકભાઇ વેકરિયા, જયરામ ગામીત, પ્રવીણ માળી, ત્રિકમ છાંગા, કમલેશ પટેલ, સંજય મહીડા, પૂનમસદ બરંડા, સ્વરૂપજી ઠાકોર અને રિવાબા જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. આ તમામ મંત્રીઓને રાજ્યપાલ દેવવ્રતે મંત્રી પદના શપથ લેવડાવ્યા હતા.

જૂના 10 મંત્રીઓને સ્થાન અપાયું નથી
શપથવિધિ સમારોહમાં રાજ્યના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા. તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને રત્નાકર પણ હાજર રહ્યા હતા. ગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરાયું છે. ગુજરાતના નવા મંત્રીમંડળ માટે કુલ 26 મંત્રીની યાદી જાહેર કરાઈ છે. આ યાદીમાં જૂના 10 મંત્રીઓને સ્થાન અપાયું નથી. ગુરુવારે રાજ્યના 16 મંત્રીએ રાજીનામા આપ્યા બાદ આજે મહાત્મા મંદિરમાં શપથવિધિ સમારોહ યોજાયો હતો.

શપથવિધિ સમારંભમાં કેટલી ગુંચવણો સર્જાઈ
મંત્રી મંડળના શપથવિધિ સમારંભમાં કેટલી ગુંચવણો સર્જાઈ હતી. જેમાં પૂર્વ મંત્રીઓને ચાલુ રાખવા કે નહીં તે નિર્ણય જાહેર કરાયો નથી તો બીજી બાજુ રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ ક્લિયારિટી આપવામાં આવી નથી.