BREAKING NEWS

ગુજરાતના મહેસુલ કર્મચારીઓ આજે માસ સીએએલ પર ઉતર્યા, સરકારે રાજ્યના કલેક્ટરોને આપ્યો આ કડક આદેશ

  • October 05, 2026 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યના મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે આજથી માસ સીએલ પર ઉતરવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. જેના પગલે સરકારે આ આંદોલનને ખાળવા માટે કડક ચેતવણી પણ ઉચ્ચારી છે. મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના તમામ કલેક્ટરોને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે કે અનિવાર્ય સંજોગો સિવાય કોઈપણ કર્મચારીની રજા મંજૂર કરવામાં ન આવે અને જો કોઈ કર્મચારી આ હડતાલમાં જોડાશે તો તેની સામે ડિસ્મિસલ સહિતના કડક શિસ્તભંગના પગલાં ભરવામાં આવશે. કર્મચારી મંડળોએ રોકડું પરખાવ્યું છે કે આજની માસ સીએલ તો માત્ર ટ્રેલર છે. જો સરકાર તાત્કાલિક પ્રશ્નોનો કાયમી ઉકેલ નહીં લાવે તો આગામી બુધવારથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી દેવાશે. 

રાજકોટમાં પણ વિરોધ

રાજ્યભરના મહેસુલી કર્મચારીઓ વિવિધ પડતર પ્રશ્નો અને અસંતોષને લઈને આજે એક દિવસ માટે માસ સીએલ પર ઉતર્યા છે. આ હડતાલના કારણે કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી, નાયબ કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરીઓમાં સરકારી કામકાજ સંપૂર્ણપણે ઠપ થઈ ગયા છે. ખાસ કરીને રાજકોટ કલેક્ટર કચેરી સહિત રાજ્યભરની કચેરીઓમાં સવારથી જ કર્મચારીઓની ગેરહાજરી જોવા મળી રહી છે, જેનાથી પોતાના જરૂરી કામ અર્થે આવેલા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભરતી નીતિ અને જોબ ચાર્ટનો વિરોધ

મહેસૂલ વિભાગના વર્ગ-૩ના કર્મચારીઓ દ્વારા આ હડતાલ પાછળ મુખ્યત્વે બે મોટા કારણો રજૂ કરવામાં આવ્યા છે. કર્મચારીઓનુંવું કહેવું છે કે મહેસુલી કર્મચારીઓની ભરતી અને બદલીઓમાં મોટો અન્યાય થયો છે, જેના વિરોધમાં તેઓ આક્રમક મિજાજમાં છે. આ ઉપરાંત, મહેસૂલ તલાટીઓના જોબ ચાર્ટમાં દર્શાવવામાં આવેલી અન્ય વિભાગોની વધારાની કામગીરી દૂર કરવામાં આવે તેવી પ્રબળ માંગ પણ કરવામાં આવી રહી છે.


શહેરથી ગ્રામ્ય સ્તરે વ્યાપક અસર

આ એક દિવસીય પ્રતીકાત્મક હડતાલની સીધી અસર માત્ર મહાનગરો કે શહેરી વિસ્તારો પૂરતી સીમિત નથી, પરંતુ ગ્રામ્ય સ્તરે પણ મહેસૂલ વિભાગના તમામ રોજિંદા અને મહત્વપૂર્ણ કામો ખોરવાઈ ગયા છે. દાખલ, પ્રમાણપત્રો અને જમીનને લગતી અરજીઓ લઈને આવેલા અરજદારોને ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે, જેને લઈને તંત્ર દ્વારા આગામી સમયમાં કેવા ઉકેલ આવે છે તેના પર સૌની નજર છે.

રાજયમાં વહીવટી તંત્રના પૈડાં થંભી જાય તેવી ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે. સુરત સહિતના શહેરમાં સીટી સર્વે અને ડીઆઈએલઆર વિભાગ છેલ્લા ત્રણ અઠવાડિયાથી હડતાળના રસ્તે છે. ત્યારે હવે પડતર પ્રશ્નો મામલે સરકારે આપેલાં ઠાલાં વચનોથી ત્રાસી ગયેલા સુરતના મહેસૂલ વિભાગના 500થી વધુ કર્મચારીઓએ પણ આજે સોમવારે સામૂહિક રજા પર ઊતરી જઈ સીધો મોરચો માંડ્યો છે. નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી તેમજ વર્ગ-૩ના ક્લાર્ક સહિતનો સ્ટાફ એકસાથે રજા પર ઊતરી જતાં જિલ્લા સેવા સદન, કલેક્ટર કચેરી, મામલતદાર અને તાલુકા કક્ષાની કચેરીઓમાં સન્નાટો છવાઈ જશે, જેની સીધી અસર સરકારી વહીવટ તેમજ અરજદારોના રોજિંદા કામકાજ પર પર જોવા મળશે.

ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ અને લેન્ડ રેકોર્ડ્સ વર્ગ-3ર્મચારી મંડળની લાંબા સમયથી ઉચ્ચ પગાર ધોરણ અંગે સ્પષ્ટ માંગ છે.જેમાં સિનિયર સર્વેયરને પે-લેવલ-5માંથી લેવલ-6 તેમજ સર્વેયરને લેવલ-4માંથી લેવલ-5 આપવું,વિલંબિત બઢતી-બદલીના હુકમો કરવા, સિનિયોરિટી યાદી પ્રસિદ્ધ કરવી અને મૂળ જોબ ચાર્ટ સિવાયના વધારાના બોજા સમાન કામકાજ દૂર કરવાનો સમાવેશ થાય છે.આ પ્રશ્નો અંગે સરકાર કક્ષાએ અસંખ્ય રજૂઆતો થઈ હોવા છતાં ફક્ત તારીખ પે તારીખ સિવાય કોઈ નક્કર પરિણામ ન આવતાં કર્મચારીઓનો ધીરજનો અંત આવ્યો છે. સીટી સર્વે અને જમીન દફતર વિભાગની હડતાળને પગલે પ્રોપર્ટી કાર્ડ, માપણી અને નોંધણીના કામો અગાઉથી જ રઝળી પડ્યા છે. હવે તેમાં મહેસૂલી કર્મીઓ પણ જોડાતાં ખેડૂત ખાતેદારોના દાખલા, જમીનની વારસાઈ, જંત્રી સંબંધી કામગીરી અને સામાન્ય જનતાના વહીવટી કાર્યોમાં ભારે હાલાકી સર્જાશે. 

બીજી તરફ તહેવારોની તૈયારીઓ વચ્ચે કચેરીઓના ધરમધક્કા ખાવા મજબૂર બનેલા નાગરિકો માટે આ વહીવટી મડાગાંઠ માથાનો દુખાવો સાબિત થઈ રહી છે.આ સામૂહિક રજાના પગલે ખાસ કરીને મહેસૂલ તંત્રની દૈનિક કામગીરી પર વહીવટી દબાણ વધવાની શક્યતા છે. ખાસ કરીને જમીન મિલકત સંબંધિત અરજીઓનો નિકાલ, રેકોર્ડ સુધારણા અને અન્ય પ્રજાલક્ષી કામગીરીમાં વિલંબની ભીતિ સેવાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application