BREAKING NEWS

ગુજરાતના પ્રવાસન, ધાર્મિક સ્થળોનો થશે કાયાકલ્પ, રૂ. ૧૩૩ કરોડના 10 પ્રોજેક્ટ્સને સરકારની મંજૂરી

  • September 03, 2026 01:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા અને પૌરાણિક ધાર્મિક ધામોના ભવ્ય વિકાસ માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પ્રવાસન અને ધાર્મિક સ્થળોના કાયાકલ્પ અર્થે આશરે રૂ. ૧૩૩ કરોડના ખર્ચે ૧૦ જેટલા વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સને સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે સુવિધાઓમાં મોટો વધારો થશે અને સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો પણ ઊભી થશે.

મંજૂર કરવામાં આવેલા તમામ પ્રોજેક્ટ્સમાં વિશ્વપ્રસિદ્ધ ગીર વિસ્તારના આઈકોનિક વિકાસને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જેના માટે રૂ. ૪૩.૯૧ કરોડનો જંગી ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત ગાંધીનગર નજીક રૂપાલ સ્થિત પ્રખ્યાત વરદાયિની માતાજીના મંદિરના સર્વગ્રાહી વિકાસ અને સુશોભીકરણ માટે સૌથી વધુ રૂ. ૩૫ કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે. અમદાવાદ જિલ્લાના કેસરડી ખાતે આવેલા જોધલપીર મંદિરના નવનિર્માણ માટે પણ રૂ. ૨૧.૭૫ કરોડ મંજૂર કરાયા છે.

આ યોજના હેઠળ સૌરાષ્ટ્રમાં આવેલા ગોંડલના ઐતિહાસિક અનલગઢ કિલ્લા તથા મહાકાળી માતાજી મંદિર પરિસરના વિકાસ માટે રૂ. ૫.૦૬ કરોડ ખર્ચાશે. દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં આવેલા વાંસદાના પ્રસિદ્ધ ઉનાઈ માતાજી મંદિર સંકુલમાં ભવ્ય પ્રવેશદ્વાર, પ્રદક્ષિણા પથ, કલ્ચરલ હોલ, ભોજનાલય અને લાઈબ્રેરી સહિતના વિવિધ કામો માટે રૂ. ૫.૦૩ કરોડ ફાળવાયા છે. વડોદરાના સાવલી તાલુકાના ભાદરવા ગામે ચેહર માતાજી મંદિર નજીક મહિસાગર નદી પર રૂ. ૩.૩૧ કરોડના ખર્ચે આકર્ષક ઘાટ, વોકવે, પેવર બ્લોક, સુરક્ષા રેલિંગ અને સુંદર લેન્ડસ્કેપિંગ તૈયાર કરાશે.

રાજ્ય સરકાર દ્વારા કચ્છના અંજાર ખાતે ગોવર્ધન પર્વતના ડેવલપમેન્ટ માટે રૂ. ૧૨.૯૮ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત મહેસાણાના તરભ ખાતે આવેલા શ્રદ્ધાકેન્દ્ર વાળીનાથ મહાદેવ મંદિરમાં સોલાર પ્રોજેક્ટ સ્થાપવા માટે રૂ. ૨.૬૮ કરોડ અને ઉમરેચા ખાતે મહાકાળી માતાજી મંદિરના વિકાસકામો માટે રૂ. ૫૦ લાખ મંજૂર કરાયા છે. તેમજ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા ઐતિહાસિક ગોરા રામજી મંદિરના નવનિર્માણ માટે રૂ. ૧૮.૯૧ લાખનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ તમામ પ્રોજેક્ટ્સ પૂર્ણ થતાં રાજ્યના પ્રવાસન ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application