BREAKING NEWS

હાલારભરમાં નંદ ઘેર આનંદ ભૈયો, જય કનૈયા લાલ કી

  • September 03, 2026 02:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલારભરમાં નંદ ઘેર આનંદ ભૈયો, જય કનૈયા લાલ કી

દ્વારકામાં લાખો લોકો ઉમટ્યા, જામનગર સહિત હાલારભરમાં આવતીકાલે જન્માષ્ટમીના પર્વની થશે શાનદાર ઉજવણી: ચોકે ચોકે શણગાર, મેળાની રંગત

પ્રણામી સંપ્રદાય દ્વારા કાલે ભવ્ય શોભાયાત્રા નીકળશે: આજથી ઉજવણીનો માહોલ: શાળાઓમાં, કચેરીઓમાં પણ મીની વેકેશન: ફરવા માટે લોકોએ કર્યા મોટા બુકીંગ

આવતીકાલે જન્માષ્ટમીના પાવન પર્વે ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણા કરવા માટે હાલારવાસીઓ અધીરા બન્યા છે. કૃષ્ણજન્મોત્સવને કારણે ભાવીકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાલે નંદ ઘેર આનંદ ભયોનો નાદ ગુંજી ઉઠશે. આ પ્રસંગે ઠેર-ઠેર મટકી ફોડ સહીત અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રણામી સંપ્રદાય દ્વારા કાલે ભવ્ય શોભાયાત્રા નીકળશે. શાળા અને કચેરીઓમાં આજથી મીની વેકેશન હોય લોકો મંદી અને મોંઘવારી ભૂલી તહેવારોની મોજ માણશે. ફરવા માટે પણ લોકો દ્વારા મોટા બુકીંગ કરવામાં આવ્યા છે. 

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાલે જન્માષ્ટમીના ભગવાન કૃષ્ણના જન્મના વધામણા કરવામાં આવશે. જગતમંદીર સહીત અન્ય મંદીરોમાં રાત્રીના ૧૨ કલાકે નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે કૃષ્ણજન્મોત્સવની શ્રઘ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. આ માટે ભાવીકોની સાથે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. મંદીરોની સાથે જુદા-જુદા વિસ્તારોમાં મટકી ફોડ સહીતના કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યું છે. શહેરના એમ્યુમેન્ટ પાર્ક પાસે આવેલા  ઇન્દ્રેશ્ર્વર મહાદેવ મંદીરે કાલે મટકી ફોડ, રાસગરબા અને મહાઆરતીનું આયોજન કરાયું છે. મહાપ્રભુજી બેઠક પાસે આવેલા અમરનાથ મહાદેવ મંદીરેથી શોભાયાત્રા નીકળશે.   છેલ્લા ૧૯ વર્ષથી નીકળતી શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા પ્રતિવર્ષની માફક આ ૨૦માં વર્ષે વિશિષ્ટ આયોજન સાથે નીકળવાની છે.  ૨૦થી વધુ ફ્લોટ્સો સાર્વજનિક શોભાયાત્રામાં જોડાનાર છે અને ઠેર ઠેર હવાઈ ચોકથી લઇ સમગ્ર રૂટ દરમિયાન મટકી ફોડ અને સ્વાગતના પણ વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે.

જામનગરમાં નીકળી રહેલી ૨૦મી શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ની સાર્વજનિક શોભાયાત્રા અનુસંધાને શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંત વિભૂષિત આચાર્ય કૃષ્ણમણિજી મહારાજે ભક્તિ સાથે સ્વયંભૂ કૃષ્ણમયી બની ભાવપૂર્વક આ શોભાયાત્રામાં લોકોને જોડાવા આહવાન કર્યું છે.  ગાગીયા એન્ડ સન્સના ભાવેશભાઈ ગાગીયા (બાદશાહ ભાઈ) ના સહયોગથી સ્ટીકરો, રીક્ષા બેનરો પણ લગાવી બહોળો પ્રચાર પ્રસાર પણ થયો છે. સનાતનની ગૌરવ સાથે હાથ ધરાયેલ હર ઘર ભગવા અભિયાન અંતર્ગત પણ વિશ્ર્વ હિન્દુ પરિષદ અને અનેક ધર્મપ્રેમીઓ દ્વારા સહયોગ કરવામાં આવ્યો હતો. કાલે સવારે ૮:૩૦ કલાકે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના અવસરે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રાના ખાસ તૈયાર કરાયેલા મુખ્ય રથમાં ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમાની શાસ્ત્રોત વિધિથી ઉપસ્થિત સંતો મહંતો અને અગ્રણીઓ દ્વારા પૂજા અર્ચના કરાવી પ્રસ્થાન કરવામાં આવશે. અને ખીજડા મંદિરથી શોભાયાત્રા નું વિધિવત પ્રસ્થાન થયા બાદ હવાઈ ચોકમાં ધર્મ ધજા લહેરાવી મટકી ફોડ બાદ આ શોભાયાત્રા ૨૦થી વધુ વિવિધ ધાર્મિક ફ્લોટસ સાથે જામનગરના રાજમાર્ગો પર પ્રસ્થાન કરશે.

જામનગરમાં નીકળી રહેલી ૨૦મી શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રામાં શ્રી ૫ નવતનપુરી ધામ-ખીજડા મંદિર ટ્રસ્ટ, શ્રી આણદાબાવા સેવા સંસ્થા, મોટી હવેલી- વ્રજ વલ્લભ સોશિયલ ગ્રુપ, શ્રી ગાયત્રી શક્તિ પીઠ, ખોડલધામ, વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગ દળ, ગૌ સમ્માન આહ્વાન અભિયાન, જામનગર લોહાણા મહાજન, સમસ્ત બ્રહ્મ સમાજ, જિલ્લા શહેર સૌરાષ્ટ્ર કચ્છ, હરે કૃષ્ણ વાળા (રાજુભાઈ કાન્ત), ઓમ યુવક મંડળ , પ્રણામી ગ્લોબલ સ્કૂલ, હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ, હરિદાસ (બાબુભાઈ) જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટ, લેઉવા પટેલ સેવા સમાજ, આંતરરાષ્ટ્રીય કુર્મી સેના, સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો ઓપરેટીવ સોસાયટી,  સહિતની સંસ્થાઓ પ્રતિનિધિઓ દ્વારા પોતાના ધાર્મિક ફ્લોટસ સાથે શોભાયાત્રામાં જોડાશે.

આ શોભાયાત્રા પુર્વે સેલ્ફી ઝોન પણ બનાવવામાં આવ્યો છે જેમાં અલગ અલગ બે સાઈઝમાં ફોટા સાથેના સેલ્ફી બનાવવા માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા ખીજડા મંદિર ખાતેથી પ્રસ્થાન કરશે તે પૂર્વે સંતો મહંતોના આશીર્વાદ મેળવ્યા બાદ હવાઈ ચોક પહોંચશે જ્યાં ધર્મ ધજા લહેરાવશે. હવાઈ ચોક મિત્ર મંડળના મનીષભાઈ કનખરા, કોર્પોરેટર ધવલભાઈ નાખવા, અમરભાઈ કનખ રા અને તેની ટીમ દ્વારા સ્વાગત કરી મટકી ફોડ  કરવામાં આવશે. ત્યાંથી ચાકડા મંદિર પીપળેશ્વર મિત્ર મંડળ દ્વારા મટકી ફોડ કરાશે, ત્યાંથી સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ  બજરંગ દળ દ્વારા મટકી ફોડ કરાશે. ત્યાંથી બર્ધન ચોક અને દરબારગઢ વિસ્તારમાં  સિંધી વેપારી મંડળના કમલેશભાઈ, ભોલાભાઈ અને સિંધી વેપારી એસોસિએશન દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાશે તેમજ મટકીફોડ અને પ્રસાદ વિતરણ નો કાર્યક્રમ યોજાશે.ત્યાંથી દરબારગઢ વિસ્તારમાં વિરાટ બજરંગદળ દ્વારા ફિસ પાસે સમસ્ત ભોઈ સમાજ દ્વારા મટકી ફોડ અને શોભાયાત્રા નું સ્વાગત સન્માન કરાયા બાદ ચાંદી બજારમાં જામનગર વેપારી મહામંડળના સુરેશભાઈ તન્ના અને તેમની ટીમ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત પ્રસાદ વિતરણ તેમજ મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે જ્યાં રાસ ગરબા પણ કરવામાં આવનાર છે. ત્યાંથી ગણેશ ફળી- પ્રાણનાથ મેડી મંદિર પાસે સાર્વજનિક શોભાયાત્રાનું આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા સ્વાગત અને મટકી ફોડ યોજવામાં આવશે. 

જ્યાંથી શોભાયાત્રા પ્રસ્થાન કરી સજુબા સ્કૂલ વિસ્તારમાં પહોંચશે જ્યાં જામનગર ખોડલધામ સમિતિ દ્વારા આયોજિત મટકી ફોડ કરાશે. ત્યાંથી પંજાબ નેશનલ બેંક પાસે પુરબીયા રાજપુત સમાજ દ્વારા મટકી ફોડ, પ્રસાદ વિતરણ કરવામાં આવશે. ત્યાંથી વેસ્ટ ઇન્ડિયા, ખાદી ભંડાર પાસે યુવા બ્રહ્મ અગ્રણી દેવેનભાઈ જોશી અને તેની ટીમ દ્વારા મટકી ફોડ તેમજ શોભાયાત્રા ના સ્વાગત પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્વામિનારાયણ મંદિર પાસે પરમાનંદ સ્ટીલ પાસે પૂ. શ્રી ગુરુ સુખરામદાસ મસંદ (રોહડીવાળા) મંદિર, સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવશે અને પ્રસાદ વિતરણ કરવામાં આવશે. ત્યાંથી બેડી ગેઈટ વિસ્તારમાં શોભાયાત્રા પહોંચે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તેની ટીમ દ્વારા આયોજિત મટકી ફોડ થશે. 

ત્યાંથી ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષ પાસે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા મટકીફોડ શોભાયાત્રા નું સ્વાગત થયા બાદમાં પંચેશ્વર ટાવર પાસે ભરવાડ સમાજ જામનગરના કમલેશભાઈ ભરવાડ અને તેની ટીમ દ્વારા મટકી ફોડ કરવામાં આવશે. ત્યારબાદ સત્યનારાયણ મંદિર રોડ તરફ જતા કંદોઈની વાડી પાસે, ગિરનારી પાન પાસે ઉમેશભાઈ અને તેની ટીમ દ્વારા મટકી ફોડ નો કાર્યક્રમ યોજાનાર છે. આ ઉપરાંત સત્યનારાયણ મંદિર રોડ પર સવાસો વર્ષથી વધુ પ્રાચીન શ્રી સત્યનારાયણ મંદિરનાં મુખ્યાજી તથા શ્રી સત્યનારાયણ સેવા ટ્રસ્ટનાં હોદ્દેદારો અને ભક્તગણ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવશે અને મટકીફોડ પણ યોજાશે . આમ ૨૦ જેટલા જાહેર સ્થળો પર મટકી ફોડ અને સ્વાગતના કાર્યક્રમો યોજવાનું શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા વિવિધ સંસ્થાઓના સંકલનથી નક્કી કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application