આસ્થા ચોક પાસે આવેલા આંબેડકરનગર ભવનમાંથી ૪૭૮ બોટલ દારૂના જથ્થા સાથે મહાત્મા ગાંધી સોસાયટીમાં રહેતા અશોક ગોવિંદભાઇ સીંધવને ઝડપી લીધો હતો. પોલીસે દારૂનો આ જથ્થો મોબાઇલ સહીત કુલ રૂ. ૧,૩૬,૯૨૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ શખસની પુછતાછ કરતા જંગલેશ્વરના ટીના વાળા પાસેથી દારૂ લાવ્યાની કબુલાત આપી હતી.
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ જે.આર.દેસાઇની રાહબરી હેઠળ આગામી દિવાળીના તહેવારને લઇ અનઇચ્છનીય ઘટના બને અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે ટીમ સઘન પેટ્રોલીંગ કરી રહી છે. પીએસઆઇ એમ.જે.ધાધલ તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે, આસ્થા ચોક પાસે આવેલા આંબેડકરનગર શેરી નં.૧૨ આંબેડકર ભવનની અંદર નામચીન શખસ અશોક સિંધવે દારૂનો મોટો જથ્થો રાખ્યો છે. આ બાતમીના આધારે માલવીયાનગર પોલીસે અહીં આંબેડકરનગરમાં દરોડો પાડયો હતો.
પોલીસે દરોડા દરમિયાન અહીંથી રૂ.૬૬,૯૨૦ ની કિંમતનો ૪૭૮ બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે અશોક ગોવિંદભાઇ સીંધવ(ઉ.વ ૪૭ રહે. મહાત્મા ગાંધી સોસાયટી શેરી નં. ૧ દેવપરા પાસે નિલકંઠ પાર્ક મેઇન રોડ,રાજકોટ) ને ઝડપી લઇ દારૂનો આ જથ્થો અને બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૧,૩૬,૯૨૦ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસે આ શખસની પુછતાછ કરતા તે દારૂનો જથ્થો જંગલેશ્વરના ટીના વાળા નામના શખસ પાસેથી લાવ્યો હોવાની કબુલાત આપી હતી.
આ કામગીરીમાં માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ જે.આર.દેસાઇની રાહબરીમાં પીએસઆઇ એમ.જે.ધાધલ, ડી.એસ.ગજેરા, તથા એએસઆઇ કેતનભાઇ શેખલીયા, હીરેનભાઇ પરમાર, હેડ કોન્સ. અજયભાઇ વીકમા, ચિત્રકેતુસિંહ ઝાલા, કોન્સ. મનીષભાઇ સોઢીયા, ભાવેશભાઇ ગઢવી, જયદિપસિંહ ભટ્ટી, અમરદિપસિંહ જાડેજા સાથે રહ્યા હતાં.
આરોપી સામે દારૂના ૩૨ ગુના: બે વખત પાસા પણ થયા’તા
દારૂના જથ્થા સાથે ઝડપાયેલા અશોક સિંધવ સામે રાજકોટના ભકિતનગર, પ્ર.નગર, બી ડિવિઝન,થોરાળા, માલવીયાનગર, યુનિવર્સિટી,ડીસીબી અને સુરેન્દ્રનગરના બજાણા પોલીસ મથકમાં દારૂના ૩૨ ગુના નોંધાઇ ચૂકયા છે. આરોપી વર્ષ ૨૦૧૫,૨૦૧૮ અને ૨૦૧૯ માં પાસા હેઠળ જેલની હવા પણ ખાઇ ચૂકયો છે.