BREAKING NEWS

જામનગર : હાલારના આંગણે શિયાળાની દસ્તક: આખરે ધુમ્મસ છવાઇ

  • November 06, 2025 05:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર સહિત સમગ્ર હાલારમાં ધીમે-ધીમે શિયાળાના દસ્તક શરૂ થયા છે, સવાર-સાંજ હળવી શીતળ ઠંડી અને બપોરના ગરમીને કારણે મિશ્ર ઋતુનું આગમન થઇ ચૂકયું છે, આજે વ્હેલી સવારે ૪ વાગ્યાથી હાઇવે સહિતના વિસ્તારોમાં ભારે ધુમ્મસ છવાઇ હતી, દક્ષિણ ભારત સિવાય સમગ્ર દેશમાં વરસાદનું એલર્ટ દુર થયું છે, સવારના તાપમાનમાં થોડો ઘટાડો થયો છે, એટલું જ નહીં પવન મંદ પડતા ધુમ્મસ છવાઇ છે, ત્યારે આગામી દિવસોમાં તા.૧૦ બાદ ધીરે-ધીરે ઠંડી જોર પકડશે અને તાપમાન ૧૫ થી ૧૮ ડીગ્રી વચ્ચે રહેશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. 


વેર્સ્ટન ડીસ્ટબન્સના કારણે ગયા અઠવાડીયે છુટા છવાયા ઝાપટા પડયા હતાં, હાલારમાં કપાસ અને મગફળીનો સોથ વળી ગયો છે ત્યારે હવે ધીમે-ધીમે વિઝીબીલીટી ઘટીને ૫૧૦ આસપાસ પહોંચી જતાં ગુજરાતમાં નલીયા, કંડલામાં ઠંડી શરૂ થઇ ચૂકી છે, જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં વિઝીબીલીટીમાં ઘટાડો થતાં સવાર-સાંજ ઠંડીનું વાતાવરણ જોવા મળે છે. 


કલેકટર કચેરીના ક્ધટ્રોલ રૂમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૨૦ ડીગ્રી મહત્તમ તાપમાન ૩૨ ડીગ્રી, હવામાં ભેજ ૮૯ ટકા, પવનની ગતિ ૧૦ થી ૧૫ કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી. ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે. જો કે મોટાભાગના ચેકડેમો ભરાઇ ગયા છે, જેને કારણે પીવાના પાણીની કે ખેતીમાં અપાતા પાણીને કોઇ મુશ્કેલી નહીં પડે. 


મિશ્ર ઋતુનું આગમન થયું છે, તાવ, શરદી, ઉધરસ, ગળુ બેસવું જેવા દર્દો વધી રહ્યા છે. સવારે ઠંડી, બપોરે ગરમી, રાત્રે પાછી ઠંડી આવા વાતાવરણથી લોકો પણ કંટાળી ગયા છે. કપાસમાં નુકશાનીનો માર ખેડુતો સહન કરી શકશે નહીં, તાત્કાલીક અસરથી સરકારે જે-જે ખેડુતોને નુકશાનીનો સામનો કરવો પડયો છે તેવા ખેડુતોને યોગ્ય વળતર આપવાની જાહેરાત પણ કરવી જોઇએ. ખરી રીતે હાલારમાં પણ પાછલો વરસાદ ખેડુતો માટે થોડો વિનાશકારી સાબીત થયો છે. 


જામનગર જિલ્લામાં નુકશાનીના સર્વેની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે, એકાદ-બે દિવસમાં જ સરકાર જયારે રાહત પેકેજ જાહેર કરે ત્યારે કયાં કેટલી નુકશાની છે તેનો આંકડો બહાર આવશે એટલે ખબર પડી જશે, પરંતુ જામનગર જિલ્લામાં મગફળી અને કપાસના પાકને વ્યાપકપણે નુકશાન થયું છે તે હકીકત છે. મગફળીના પાથરા પલળી ગયા છે, કપાસમાં રોગ આવી ગયો છે અને પલળી ગયો છે. આગામી દિવસોમાં ધીરે-ધીરે હવે ઠંડી જોર પકડશે અને ચોમાસુ હવે તો વિદાય લે તો સારૂ એવી પ્રાર્થના લોકો કરી રહ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application