રાજકોટ શહેરના ચકચારી ભાવેશ વાણવી કેસમાં મુખ્ય સૂત્રધાર હમીર જોગરાણાને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી લઈ આરોપીની આકરી સરભરા કરી હતી. હત્યા પ્રકરણમાં સામેલ અન્ય અરોપી પણ હાથવેંતમાં હોવાનું માલુમ પડયું હતું.
હત્યાના બનાવ અંગે રાહુલભાઈ કાનજીભાઈ પરમારે આરોપી તરીકે હમીર મેરાભાઈ જોગરાણા અને ચારથી પાંચ અજાણ્યા શખસોનું નામ આપ્યું હતું. ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા.૧૫ ના તેમના મિત્ર ભાવેશભાઈ ડાયાભાઈ વાણવીને મળવા સોપાન હાઇટસ પાસે ગયા હતાં. જયા તેની સાથે ભાવેશનો ભત્રીજો પ્રિન્સ સુનિલભાઈ વાણવી પણ હાજર હતો. ત્યારે ભાવેશભાઈએ તેના ઘરે જમવાનું કહેલ જેથી બાઈકમાં ભાવેશભાઈને પાછળ બેસાડી તેમજ પ્રિન્સ તેનુ બાઈક લઈને આવતો હતો.
દરમિયાન તેઓ દ્વારકેશ પાર્ક મેઇન રોડ ડ્રીમ સિટીની સામે પહોંચતા ચારથી પાંચ અજાણ્યા શખ્સો સ્વીફટ તથા બાઇક લઈને અચાનક પાછળ આવેલ અને લાકડી, ધારિયા, કુહાડી વતી ભાવેશભાઈને મારવા લાગ્યા હતા. જેથી પ્રિન્સ ત્યાં ઉભો રહેતા સામાવાળા તેને માર મારવા લાગ્યા હતા. હુમલાખોરો ભાવેશભાઈને સ્વીફ્ટ ગાડીમાં બેસાડી લઈ ગયા હતા.
બાદ ઇજાગ્રસ્ત પ્રિન્સને લોહીલુહાણ હાલતમાં સારવારમાં હોસ્પિટલમાં લઈ જવા નીકળેલ હતો. ત્યારે રસ્તામાં પ્રિન્સને પુછતા મને વાત કરેલ કે, હમીર મેરા જોગરાણાને ચીચોડો રાખવા બાબતે ભાવેશભાઈએ ફરિયાદ કરી હોય જેનો ખાર રાખી હમીર જોગરાણા તથા અન્ય માણસોએ આવી અમારી સાથે ઝઘડો કરી લાકડી-ધારીયા વડે હુમલો કર્યો હતો. ત્યારે હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમા ભાવેશભાઈની પણ સારવાર ચાલુ હતી. તેને માથામાં-હાથમાં તેમજ શરીરે તિક્ષ્ણ હથીયારના ઘા વાગેલા હતા.
બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે હત્યાની કોશિશ, એટ્રોસિટી એક્ટ સહિતનો કલમો હેઠળ ગુનો નોંધ્યા બાદ ભાવેશ વાણવીનું સારવાર દરમિયાન મોત બનાવ હત્યામાં પલટાયો હતો. આ અંગે એસીપી એસસી/એસટી સેલ ચિંતન પટેલ તપાસ હાથ ધરી હતી.
ચકચારી ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ એસીપી ક્રાઈમ બી.બી.બસીયા અને ટીમે હત્યાના આ બનાવના મુખ્ય સૂત્રધાર હમીર મેરા જોગરાણાની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી. જ્યારે અન્ય આરોપી પણ હાથવેંતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
હત્યામાં અગાઉ ત્રણ આરોપી ઝડપાયા’તા
હત્યાના આ બનાવમાં અગાઉ એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર.એચ. ઝાલા અને ટીમે આરોપી રવિ મેરા જોગરાણા (ઉવ.૩૩), સાગર મેરા જોગરાણા (ઉવ.૨૬) અને ગોપાલ મેરા જોગરાણા (ઉવ.૨૨),( રહે.બધા રૈયાધાર,રાધેશ્યામ ગૌશાળા ની સામે શેરી નં.૨,મફતીયાપરા) ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.હત્યાના બનાવમાં હજુ દેવકરણ, ભુરો અને વિક્રમ નામના નાસતા ફરતા હોય તેની શોધખોળ યથાવત રાખી છે.