રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં મોડી રાત્રે રાણીમા રૂડીમાં ચોક ખાતે મોટી બબાલ થઈ હચી. અચાનક તણાવજનક સ્થિતિ સર્જાઈ હતી, કુખ્યાત હાંડા ગેંગે આતંક મચાવી ત્રણથી ચાર લોકોને નિશાન બનાવી હુમલો કર્યો હતો. હુમલામાં ધોકા અને પાઇપ જેવા ઘાતક હથિયારોનો ઉપયોગ કરાયો હતો, જેને કારણે હુમલાગ્રસ્તોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. એટલું જ નહીં, હુમલાખોરોએ કારના કાચ પણ તોડી નાંખ્યા હતા, જેને કારણે સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો.

હુમલાની જાણ થતાં પોલીસના ધાડેધાડા રૈયાધાર વિસ્તારમાં દોડી આવ્યા હતા. સ્થળ પર પહોંચીને પોલીસે સ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો અને આસપાસના વિસ્તારમાં ચુસ્ત પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. પોલીસે સીધી કાર્યવાહી શરૂ કરતાં હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે.

પ્રાથમિક માહિતી મુજબ, બે દિવસ પહેલાં ગેંગના કેટલાક લોકો વચ્ચે માથાકૂટ થઇ હતી. આ જૂની અદાવતને લઈને જવાબી પ્રતિક્રિયા રૂપે આ હિંસક હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાઈ રહ્યું છે. પોલીસ વિવિધ સીસીટીવી ફૂટેજ, મોબાઈલ કૉલ રેકોર્ડ અને અન્ય ટેક્નિકલ સુત્રોની મદદથી આરોપીઓને પકડી પાડવા માટે ત્વરિત તપાસ ચલાવી રહી છે.
