BREAKING NEWS

30 સિનિયર આઈપીએસ સાથે હર્ષ સંઘવી કચ્છ પહોંચ્યા, સરહદી ગામડાઓમાં ખાટલા સભા સાથે સુરક્ષા સમીક્ષા, ગામડાના દેશી ભૂંગામાં રાત્રિ રોકાણ કરશે

  • November 06, 2025 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે 30 સિનિયર આઈપીએસ સાથે ટ્રેન મારફતે ભુજ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. બાદમાં તેઓ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા. નાયબ મુખ્યમંત્રી અને 30 સિનિયર આઈપીએસના કાફલાએ માતાના મઢે દર્શન કર્યા હતા. ત્યારબાદ ભારત-પાકિસ્તાન સરહદ પાસે આવેલા ગામોની મુલાકાત લઈ રહ્યા છે. હર્ષ સંઘવી અને 30 સિનિયર આઈપીએસ સાથે કચ્છ જિલ્લાની મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ સીમાવર્તી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા અને ગ્રામજનો સાથે સીધો સંવાદ કરવાનો છે.  


મળતી માહિતી મુજબ લખપત તાલુકાના પુનરાજપર, કાનેર, મોટી છેર, કોટેશ્વર, કપુરાશી સહિતના ગામોની મુલાકાત લઈ લોકો સાથે સંવાદ કરી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન સીમાવર્તી ગામોના સરપંચો અને ગ્રામજનો સાથે મુલાકાત, રાત્રિ ખાટલા સભા અને સંવાદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સમગ્ર ટીમ ખાસ કરીને ગામડાઓની મહિલાઓ અને યુવાઓ સાથે સંવાદ કરીને તેમની સમસ્યાઓ અને પડકારોને નજીકથી જાણવાનો પ્રયાસ કરશે.


આ મુલાકાતનો હેતુ સીમાવર્તી ગામોની સર્વગ્રાહી સમીક્ષા કરવાનો છે. જેમાં મુખ્યત્વે આરોગ્ય, શિક્ષણ, માળખાગત સુવિધાઓ, સ્વચ્છતા અને સુરક્ષા સહિતના વિવિધ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવશે. સરહદી સુરક્ષાના વિષયો જેવા કે એન્ટીનેશનલ એક્ટિવિટીઝ અને બોર્ડર પેટ્રોલિંગ ઓપરેશન અંગે બીએસએફના અધિકારીઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરાયું છે. સાથે જ બીએસએફ જવાનો સાથે પણ સંવાદ કરવામાં આવશે, જેથી સરહદની સુરક્ષાની સ્થિતિનો તાગ મેળવી શકાય. આ મુલાકાતનું સૌથી મહત્ત્વનું પાસું એ છે કે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતે ગામના ભાતીગળ રહેઠાણ દેશી ભૂંગામાં જ રાત્રિ રોકાણ કરશે.


માત્ર હર્ષ સંઘવી જ નહીં પણ તેમની સાથે ગયેલા તમામ સિનિયર આઈપીએસ પણ સર્કિટ હાઉસ કે હોટલને બદલે ગામમાં જ દેશી ભૂંગામાં રાત્રે રોકાણ કરવા સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે. આ નિર્ણય પાછળનો હેતુ ગામની સંસ્કૃતિ, ગ્રામજનોની રહેણી-કરણી તેમજ તેમની સમસ્યાઓને નજીકથી અનુભવીને તેના પર અસરકારક રીતે કાર્ય કરવાનો છે. આ મુલાકાત દરમિયાન રાજ્ય પોલીસવડા વિકાસ સહાય સહિત વિવિધ વરિષ્ઠ અધિકારીઓ સાથે રહેવાના છે.

સરહદ સુરક્ષા મુદ્દાઓને સંબોધવા માટે એક ખાસ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બીએસએફ અધિકારીઓ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અને સરહદ પેટ્રોલિંગ કામગીરી અંગે ચર્ચા કરશે. વધુમાં, સરહદ સુરક્ષાની જમીની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે બીએસએફ કર્મચારીઓ સાથે વાતચીત કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application