BREAKING NEWS

જામનગરમાં વોર્ડ નં.૧૨ની રાજકીય રંજીશ આખરે બની રકતરંજીત...?

  • December 30, 2025 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં વોર્ડ નં.૧૨ની રાજકીય રંજીશ આખરે બની રકતરંજીત...?

મહાનગરપાલીકાની ચૂંટણીની આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, માર્ચ અથવા એપ્રિલમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ યોજાશે જેમાં જામ્યુકોની ચૂંટણી વધુ ચર્ચામાં રહેશે અને તેમાં પણ ખાસ કરીને વોર્ડ નં.૧૨ કે જયાં મોટી રાજકીય ઉથલપાથલ થઇ છે, તેના પર ફોકસ રહેવાની ધારણા હતી અને સાથે-સાથે આ વોર્ડની ચૂંટણીને લઇને માહોલ રકતરંજીત બનવાની જે ભીતિ હતી તે ચૂંટણી પૂર્વે જ સાચી ઠરી ગઇ છે અને રાજકીય અદાવતમાં પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને તેમાં પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફીનું નામ આરોપીઓમાં સામેલ હોવાથી આ રાજકીય દુશ્મનાવટ ચરમસીમાએ પહોંચી હોવાનું સ્પષ્ટ થાય છે અને ખાસ કરીને હવે વોર્ડ નં.૧૨માં જયારે ચૂંટણી થશે ત્યારે મોટી માથાકુટો થવાની શકયતા પણ નકારી શકાતી નથી. 

એક સમય હતો જયારે પૂર્વ વિપક્ષી નેતા અસલજી ખીલજી જયારે કોંગ્રેસમાં હતાં ત્યારે તેઓ પોતાના વોર્ડના સાથી નગરસેવક અલ્તાફ ખફી સાથે વિરોધ પક્ષની પાટલીએ સાથે બેસતા અને આ બંનેની જોડી સતાધારીઓને ખાસ કરીને જનરલ બોર્ડમાં ભારે હંફાવતી હતી, વિરોધ પક્ષની આ બેલડીનો કોઇ જવાબ સતાધારીઓ પાસે હતો નહીં કારણ કે બંને વોર્ડ નં.૧૨માં રેકર્ડબ્રેક લીડ સાથે પાંચ-પાંચ, છ-છ ટર્મથી ચૂંટાતા આવતા હતાં.

લોકસભાની ચૂંટણી પૂર્વે કોઇપણ બાબતે વોર્ડ નં.૧૨ના બંને શકિતશાળી નેતાઓ અસલમ ખીલજી અને અલ્તાફ ખફી વચ્ચે મતભેદની રેખા દોરાઇ હતી, સમય જતાંની સાથે-સાથે આ રેખા એક મોટી ખાઇ બની ગઇ હતી અને બંનેના સમાધાન કરાવવા માટેના અનેક પ્રયાસો નિષ્ફળ ગયા હતાં એવું પણ જાણકારો કહે છે. 

આ દરમ્યાન પ્રદેશ કોંગ્રેસ તરફથી એકાએક શિસ્તનો ધોકો પછાડવામાં આવ્યો હતો અને પૂર્વ વિપક્ષી નેતા તથા શકિતશાળી નગરસેવક અસલમ ખીલજીને છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતાં, અહીંથી આ બંને વચ્ચેના મતભેદ રાજકીય વેરઝેરમાં પરીવર્તિત થયા હતાં. 

જુથવાદ એટલો બધો વધી ગયો હતો કે, જયારે વિપક્ષ તરફથી જે વિરોધના કાર્યક્રમો અપાતા તેમાં અસલમ ખીલજી ગ્રુપની ગેરહાજરી રહેતી હતી અને એ જ રીતે અસલમ ખીલજી તરફથી વિરોધ કરવામાં આવતો ત્યારે અલ્તાફ ખફી ગ્રુપની ગેરહાજરી રહેતી હતી. ત્યારથી જ લાગતું હતું કે, આ રાજકીય રંજીશ આગળ વધતી જ રહેશે તો કયારેક માઠા પરીણામ આવશે. 

સમય વિતી રહ્યો હતો, મહાનગરપાલીકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા હતાં, આગામી માર્ચ-એપ્રિલ માસ અથવા ફેબ્રુઆરીમાં પણ મહાનગરપાલીકાની ચૂંટણીની જાહેરાત થઇ શકે છે, આ સંજોગો વચ્ચે જ એક મોટો રાજકીય બદલાવ વોર્ડ નં.૧૨માં આવ્યો અને પૂર્વ વિપક્ષી નેતા કે જેમને કોંગ્રેસ દ્વારા સસ્પેન્ડ કરાયા હતાં તે અસલમ ખીલજી અને સાથે-સાથે કોંગીના નગરસેવીકા ઝેનબબેન ખફી, નગરસેવિકા ફેમીદાબેન જુણેજા તથા પૂર્વ નગરસેવક હાજી રિઝવાન જુણેજા દ્વારા આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કરવામાં આવ્યો. 

આ મોટો રાજકીય ફેરબદલ હતો અને જયારે અસલમ ખીલજીને ટીમને આમ આદમી પાર્ટીમાં પ્રવેશ આપવામાં આવ્યો ત્યારે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પણ સભાને સંબોધન કરવા ટાઉનહોલમાં આવ્યા હતાં અને ત્યારે પણ એક શખસ દ્વારા ગોપાલ  ઇટાલીયા પર જુતુ ફેંકવામાં આવ્યું હતું, સભામાં અફડાતફડી મચી હતી, ત્યારબાદથી જ સતત એવી શંકા હતી કે, વોર્ડ નં.૧૨ના આધીપત્યને લઇને ગમે ત્યારે ગમે તેના પર જીવલેણ હુમલો થઇ શકે છે અથવા દુશ્મનાવટ રકતરંજીત બની શકે છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application