BREAKING NEWS

પતિના દેરાણી સાથે સંબંધ હોય તેનો વિરોધ કરતા હેડ કોન્સ. પત્નીને ઘરમાંથી કાઢી મૂકી

  • November 14, 2025 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ જસદણના લીલાપુરમાં રહેતા અને આટકોટ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર પરણીતાએ વિંછીયાના આસલપુરમાં રહેતા પતિ સહિતના સાસરીયાઓ સામે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. પરિણીતા અને તેના પતિની જ્ઞાતિ અલગ હોય જે બાબતે શરૂઆતથી જ સાસરીયાઓ મેણાટોણા મારવા લાગ્યા હતા. પરિણીતાએ અલગ ઘર લેતા તે ઘરના હપ્તાની રકમ રૂ.૧૨.૨૯ લાખ પરિણીતાએ ભરી હોવા છતાં પતિએ મકાન તેના નામે કર્યું ન હતું. પતિને દેરાણી સાથે આડા સંબંધ હોય જે વાતની જાણ પરિણીતાને થઈ જતા આ બાબતે પતિ અને દેરાણી બંને ઝઘડો કર્યો હતો. બાદમાં સાસરિયાએ પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી હતી જેથી અંતે તેણે આ ફરિયાદ નોંધાવી છે.


જાણવા મળતી વિગતો મુજબ, હાલ જસદણના લીલાપુરમાં રહેતા ચંદ્રિકાબેન(ઉ.વ. 40) નામના પરિણીતાએ જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિંછીયાના આસલપુરમાં રહેતા પતિ સંદીપ પ્રેમજીભાઈ ભુવા, સસરા પ્રેમજીભાઈ, સાસુ નિમુબેન, દિયર પ્રકાશ, તુષાર, દેરાણી ભૂમિબેન, તુષારભાઈ, મોટા સસરાનો પુત્ર જીગ્નેશ અવસરભાઈ ભુવા તથા મોટા સસરાની વહુ પુષ્પાબેન ગૌરાંગભાઈ ભુવાના નામ આપ્યા છે.


પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે આટકોટ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે તેના લગ્ન ગઇ તા. 3/1/2013 ના સંદીપ ભુવા સાથે થયા હતા બંને 13 વર્ષ સુધી સાથે રહ્યા હતા જે દરમિયાન સંતાનમાં એક દીકરી આરાધી અને પુત્ર અર્થવ છે જે હાલ પરિણીતા પાસે છે.


ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, લગ્ન બાદ પરિણીતા સાસરીયે રહેતી હતી પતિ કોમ્પ્યુટર હાર્ડવેરનું કામ કરે છે પતિ અને પરિણીતાની જ્ઞાતિ અલગ હોય જે બાબતે શરૂઆતથી જ સસરા-સાસુને ગમતું નહીં અને તે મેણાટોણા મારી ગાળો આપી અણછાજતું વર્તન કરતા હતા. દિયર પ્રકાશ, તુષાર પતિ પાસે અવારનવાર પૈસા લઈ જતા હોય જેની ના કહેતા તે પણ ગાળો આપી હાથમાં જે વસ્તુ હોય તેને છૂટા ઘા કરતા હતા.


વર્ષ 2019 માં જસદણમાં આટકોટ રોડ પર અક્ષર માર્બલની પાછળ પરિણીતાએ મકાન લીધું હતું જે મકાન પતિના નામે લીધું હતું પરંતુ તેના હપ્તા પરિણીતાએ ભર્યા હતા અને પતિએ તે સમયે એવું કહ્યું હતું કે, મકાનની લોન પૂરી થયા બાદ મકાન તારા નામે કરી આપીશ દિયરના લગ્ન સમયે પતિએ બેંકમાંથી ત્રણ લાખ ઉપાડ્યા હતા જે વાતની જાણ થતા પતિએ પરણીતાને કહ્યું હતું કે, હું તને થોડા સમયમાં સોનાનો હાર કરાવી આપીશ. ત્યારબાદ મકાનના હપ્તા પૂરા થઈ ગયા હોવા છતાં મકાન તેના નામે કર્યું ન હતું. આમ પરિણીતા પાસેથી રૂ.૧૨,૨૯ લાખની રકમ મેળવી લઇ મકાન પતિએ કબજે કરી કરી લીધું હતું.


સંતાનનો જન્મ થતા પરિણીતા પિયર લીલાપુર ગયા હતા. બાદમાં પતિ અહીં તેડવા આવ્યો ન હતો અને ઝઘડા શરૂ થયા હતા. ત્યારબાદ સમાધાન થઈ જતા એક વર્ષ પૂર્વે તે ફરી પતિ સાથે રહેવા ગઈ હતી. આ દરમિયાન પરિણીતાએ પતિ અને દેરાણી વચ્ચેના આડા સંબંધની જાણ થઈ જતા પતિએ ઝઘડો કરી માર માર્યો હતો અને ગાળો આપી કહ્યું હતું કે, હવે પછી જો મકાને આવી તો જીવતી રહેવા દઈશ નહીં તેમજ દેરાણીને પણ આ વાતની જાણ થતા તેણે પણ ઝઘડો કરી માર માર્યો હતો. બાદમાં મોટા સસરાના દીકરા જીગ્નેશ અને તેના બીજા દીકરાની વહુ પુષ્પાએ પરિણીતા સાથે મારકૂટ કરી હતી. તારીખ 19/8 ના પરણીતાને ધક્કા મારી ઘરમાંથી કાઢી મૂકી હતી ત્યારથી તે અલગ અહીં બાળકો સાથે રહે છે. બાદમાં તેણે આ મામલે પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application