વર્ષ 2014માં બજરંગ વાડીના પુનિતનગરમાં પડોશી દંપતિની હત્યાના ગુનામાં રાજકોટ સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા કાપતા હેડ કોન્સ્ટેબલનું બ્લડ કેન્સરની બીમારીથી મોત નીપજ્યું છે. ગઈકાલે જેલમાં તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારને જાણ કરી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
ટૂંકી સારવાર દરમિયાન મોત
પ્રાપ્ત વિગત મુજબ શહેરના બજરંગવાડી પુનિતનગરમાં રહેતા અને હાલ ડબલ મર્ડરના ગુનામાં રાજકોટ સેન્ટ્રલ જેલમાં રહેલા તત્કાલીન હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ રમેશભાઈ મહેતા (ઉ.વ.45)ના બપોરે બે વાગ્યે જેલમાં હતા ત્યારે તબિયત લથડતા તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતા જરૂરી કાગળો કર્યા હતા.
મૃતક બે ભાઈ એક બહેનમાં વચેટ હતા
મૃતક બે ભાઈ એક બહેનમાં વચેટ હતા અને સંતાનમાં એક પુત્રી છે. અગાઉ પોતે બી ડિવિઝન પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. વર્ષ 2014 દરમિયાન પડોશમાં રહેતા ભુપતભાઈ તેરૈયા ઘર બહાર ખુરશી રાખીને બેસતા હોય આ સમયે જ બહેન દીકરીઓ નીકળતી હોવાથી નજર બગાડતા હોવાની મુદ્દે માથાકૂટ ચાલી રહી હતી દરમિયાન કમલેશભાઈએ ઉશ્કેરાટમાં આવી ભુપતભાઈ તેરૈયા અને તેની પત્નીની છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. આલાપ ગ્રીન સીટી પાસે રહેતા ભુપતભાઇ પુત્રને પણ મારવા માટે છરી લઈને પહોંચતા તેનો પુત્ર હાજર ન હોવથી બચી ગયો હતો.
આજીવન કેદની સજા પડી હતી
દંપતીના હત્યા કેસમાં કમલેશ મહેતાને આજીવન કેદની સજા પડતા આ સજા ભોગવી રહ્યો હતો. દરમિયાન બ્લડ કેન્સર હોવાનું ડિક્ટેક્ટ થતા તેની સારવાર ચાલુ હતી. ગઈકાલે વધુ તબિયત લથડતા સારવાર માટે સિવિલમાં ખસેડાતા મોત નીપજ્યું હતું.