જસદણ તાલુકાના આટકોટ પોલીસ સ્ટેશન હેઠળના કાનપર ગામની સીમમાં ખેતરમાં રમી રહેલી સગીરાને ઉપાડી જઈ બદકામના ઇરાદે બાજુના ખેતરમાં લઈ જઈ બદ ગુપ્ત ભાગમાં સળીયો ભરાવી તે ગંભીર ઇજા પહોંચાડવાના હેવાનિયત ભર્યા ગુનામાં સ્પેશિયલ કોર્ટે ફાસ્ટ ટ્રેક કેસ ચલાવી ચાર્જશીટના માત્ર 33 દિવસમાં સુનાવણીમાં પૂર્ણ દોષિત ઠરાવેલ આરોપી રેમસીંગ તેરસીંગ ડુડવા (ઉ.વ. ૩૦)ની સજા સંભળાવવા માટે બપોરે ત્રણ વાગ્યાથી સુનાવણી શરૂ થઇ હતી, ત્યાર બાદ સ્પેશિયલ કોર્ટ પ્રજાનો હુકમ સંભળાવશે.
આ અતિ ચકચારી કેસની હકીકત મુજબ જસદણ તાલુકાના કાનપર ગામે વાડીમાં દાહોદ પંથકનો શ્રમિક પરિવાર ખેતર ભાગીયે રાખી ખેત મજૂરી કરતો હોઇ, ગત તા.04-12- 2025ના રોજ શ્રમિક પરિવાર વાડીમાં કામ કરી રહ્યો હતો. ત્યારે વાડીમાં જ રમી રહેલી પરિવારની છ વર્ષ આઠ માસની બાળકીનું હવસખોર શખસે અપહરણ કરી બાજુના ખેતરમાં લઈ જઇ ગુપ્તાંગમાં સળીયો ખોસી દઈ હેવાનિયતથી અમાનુષી અને ક્રૂરતા આચર્યાના દુષ્કર્મના કેસમાં સ્પેશિયલ કોર્ટે આરોપી મૂળ મધ્યપ્રદેશના રેમસિંગ તેરસીંગ ડુડર સામે ફાસ્ટ ટ્રેક કેસ ચલાવી 33 દિવસમાં સુનાવણી પૂરી કરીને આરોપીને દોષિત ફેરવતો ચુકાદો આપીને સજાનો હુકમ આજે તારીખ 15ના રોજ સંભળાવવાનું સ્પેશિયલ કોર્ટ જજ વી.એ. રાણાએ જણાવ્યું હતું.
દરમિયાન આજે તા. ૧૫મીએ રિશેષ બાદ કોર્ટમાં સજાના હુકમ માટેની સુનાવણી શરૂ થઈ હતી, જેમાં સરકારી વકીલ એસ.કે. વોરા દ્વારા આ કેસમાં મેડિકલ, મૌખિક અને ઈલેકટ્રોનિક ત્રણેય પ્રકારના પુરાવા હોવાથી નરાધમ રેમસીંગ તેરસીંગ ડુડવાને સખતમાં સખત સજા કરવાના મતલબની રજૂઆત કરવામાં આવી રહી હતી. ત્યારબાદ સ્પેશિયલ કોર્ટ જજ વી.એ. રાણા સજાનો હુકમ સંભળાવવામાં આવશે તેમ મનાય છે. આ કેસમાં જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે. વોરા અને મદદગારીમાં એ.પી.પી. પ્રશાંતભાઈ પટેલ રોકાયા છે.