વડોદરા શહેરના આકાશમાં ભારતીય વાયુસેનાની વિશ્વપ્રસિદ્ધ 'સારંગ' હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ દ્વારા અત્યંત રોમાંચક અને અદભુત હવાઈ કરતબોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિશ્વના એકમાત્ર પાંચ હેલિકોપ્ટર ધરાવતા આ એરોબેટિક ગ્રુપના પાયલટોએ અદમ્ય સાહસ, ઉત્કૃષ્ટ કૌશલ્ય અને સચોટ તાલમેલનું પ્રદર્શન કરી આકાશમાં હેરતઅંગેજ ફોર્મેશન રચીને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ અદભુત નજારાને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમના સ્ક્વોડ્રન લીડર અને પાયલોટ બી. એસ. ડુમરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારા પ્રદર્શનમાં સામાન્ય રીતે પાંચથી વધુ રોમાંચક કરતબોનો સમાવેશ થાય છે અને સ્થળની અનુકૂળતા મુજબ કુલ ૧૫થી ૨૦ મિનિટ સુધી આ એર-શો ચાલતો હોય છે. વડોદરા ખાતે પણ અમે આશરે ૨૦ મિનિટ સુધી અદભુત કરતબો રજૂ કર્યા હતા. શરૂઆત ડાયસ પાછળથી પાંચ હેલિકોપ્ટર સાથે 'એરોહેડ ફોર્મેશન'માં એન્ટ્રી કરીને કરવામાં આવે છે, ત્યારબાદ 'ઈન્ડિયા ફોર્મેશન' અને 'ડાયમંડ ફોર્મેશન' બનાવવામાં આવે છે. ડાયમંડ ફોર્મેશન પૂર્ણ થતાની સાથે જ એક સિંગલ હેલિકોપ્ટર દ્વારા 'સ્ટોલ ટર્ન મેન્યુવર' કરવામાં આવે છે, જે આ સ્વદેશી મશીનની તાકાત અને સચોટતા દર્શાવે છે.
સંસ્કૃત ભાષામાં 'સારંગ' શબ્દનો અર્થ 'મોર' થાય છે, જે આપણું રાષ્ટ્રીય પક્ષી છે. આ નામ અને થીમને સાર્થક કરતા ટીમના તમામ હેલિકોપ્ટર પર સફેદ, લાલ અને ઘેરા વાદળી રંગમાં મોરની આકર્ષક અને ભવ્ય ડિઝાઇન પેઇન્ટ કરવામાં આવી છે. આ ટીમ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) દ્વારા સંપૂર્ણપણે ભારતમાં જ નિર્મિત સ્વદેશી 'એચએએલ ધ્રુવ' (એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર) હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે. એચએએલ દ્વારા નિર્મિત આ હેલિકોપ્ટરની ક્ષમતા વિશ્વ સમક્ષ ઉજાગર કરવા માટે ઓક્ટોબર ૨૦૦૩માં આ ટીમની સ્થાપના કરવામાં આવી હતી. શરૂઆતમાં આ ટીમમાં ચાર હેલિકોપ્ટર હતા, જેની સંખ્યા પાછળથી વધારીને પાંચ કરવામાં આવી હતી.
સારંગ ટીમના કુશળ પાયલટો અત્યંત ઓછા અંતરે હેલિકોપ્ટરોને કાબૂમાં રાખીને ડોલ્ફિન લીપ, ક્રોસઓવર, ઇન્ડિયા ફોર્મેશન અને ડાયમંડ ફોર્મેશન જેવા અત્યંત જટિલ અને જોખમી સ્ટંટ્સ સફળતાપૂર્વક રજૂ કરે છે. આ ટીમે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ જર્મની, બ્રિટન (ફાર્નબરો એર-શો), યુએઈ (દુબઈ એર-શો), સિંગાપોર, બહેરીન અને શ્રીલંકા સહિત વિશ્વના અનેક દેશોમાં પોતાની કલાના જોરે ભારતનું નામ રોશન કર્યું છે. માત્ર એર-શો કે મનોરંજન પૂરતી સીમિત ન રહેતા, આ વીર જવાનોએ ઉત્તરાખંડ (૨૦૧૩), કેરળ (૨૦૧૮) અને ચેન્નાઈના વિનાશક પૂર જેવી કુદરતી આફતો વખતે રાહત અને બચાવ કામગીરીમાં પણ અગ્રેસર રહીને અનેક અમૂલ્ય જીવ બચાવ્યા છે. આ અદભુત પ્રદર્શનથી યુવાનોમાં ભારતીય વાયુસેના અને સશસ્ત્ર દળોમાં જોડાઈને દેશસેવા કરવાની પ્રેરણા જાગી છે.