રાજકોટમાં કાલાવડા રોડ પર ક્રિસ્ટલ મોલ પાસે બે દિવસ પહેલા બીએમડબલ્યુ માતેલા સાંઢની જેમ હંકારી આત્મન પટેલે યુવાનને કચડી નાખ્યો હતો. જેમાં કોલેજિયન યુવાન અભિષેક નાથાણીનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં પોલીસે બીએમડબલ્યુ કારના ચાલક આત્મન પટેલની ધરપકડ કરી હતી. જોકે ઘટનાના એક જ દિવસમાં આરોપીને જામીન મળી જતા અભિષેકના માતાએ હૈયાવરાળ ઠાલવી હતી. તેઓએ જણાવ્યું હતું કે કાળ બનીને મારા દીકરાને ખાઈ ગયો, મારા દીકરાની ચિતા ઠરી નથીને આરોપીને જામીન મળી ગયા.
મૃતક યુવાનના માતા અને ભાભુએ આરોપીને ફાંસીની સજા મળે તે માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ વિભાગ સમક્ષ માંગ કરી છે.
આજે મારો દીકરો ગયો છે કાલે બીજાનો દીકરો પણ જશે
અભિષેક નાથાણીના માતા વિલાસબેને જણાવ્યું હતું કે, આરોપીને જો છોડી મૂક્યો તો આજે મારો દીકરો ગયો છે કાલે બીજાનો દીકરો પણ જશે. પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી પૈસા ખાઈ ગઈ છે. સામેવાળા પૈસાવાળા છે એટલે પૈસા આપીને દીકરાને છોડાવી લીધો છે. સરકાર સમક્ષ અમારી ન્યાયની માંગણી છે. આ કાળ બનીને આવ્યો અને મારા દીકરાને ખાઈ ગયો છે. આ પ્રકારના વ્યક્તિઓને વાહન ચલાવવા આપવું જ ન જોઈએ.
આવા શખ્સોને ફાંસીની સજા આપો
મૃતક અભિષેકના ભાભુ તારા બેને જણાવ્યું હતું કે, આજે અમે અમારો દીકરો ગુમાવ્યો છે તેનું ખૂબ જ દુઃખ છે. અમારો સુરજડો આથમી ગયો છે અને તેથી અમારી એક જ માગણી છે તે તો સરકારના કાયદામાં જોગવાઈ હોય તો આવા શખ્સોને ફાંસીની સજા આપો. આ પ્રકારના ગુનેગારોને પકડવામાં આવે અને કડક સજા કરવામાં આવે તો જ આ પ્રકારના ગુનાઓ સમાજમાં અટકશે મારી ગૃહ મંત્રી હર્ષ સંઘવીને વિનંતી છે કે તમે આમાં કંઈક કરો કારણ કે આજે એક રાતમાં અમારો એક દીકરો ગયો છે. આવા દસ જશે તો ભારતની અર્થવ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા પડી ભાંગશે. ગૃહ મંત્રી અને પોલીસ ખાતાવાળાને મારું કહેવું છે કે જો તમારા દીકરા સાથે આવું થયું હોય તો તમે શું કરો? આ પ્રકારના શખ્સોને સમાજ સામે ખુલ્લો કરવો જોઈએ. અંતમાં તેમણે સવાલ કર્યો હતો કે, લર્નિંગ લાઇસન્સ ન હોય તો તેના માતા-પિતાને સજા થાય છે તો આવડો મોટો ગુનો કરે તો તેને કોઈ જ સજા ન થાય?
આરોપીનું મોઢું છુપાવવામાં આવ્યું
અભિષેકની પિતરાઈ બહેન શ્વેતાએ જણાવ્યું હતું કે, આ માટે હવે સમાજે અવાજ ઉઠાવવો જોઈએ. ઘટના સ્થળે જ્યારે પહોંચ્યા ત્યારે પણ તે વ્યક્તિને પોલીસ ક્યાંથી લઈ ગઈ હતી અને મોઢું પણ છુપાવવામાં આવ્યું છે ત્યારે આ પ્રકારના વ્યક્તિને ખુલ્લા કરવામાં આવે અને ખરેખર તે જ વ્યક્તિને પકડ્યો છે કે કેમ તે પણ જાહેર કરવામાં આવે. અમને પણ પોલીસે તે વ્યક્તિના મોઢે રૂમાલ બાંધેલો જ દેખાડવામાં આવ્યો હતો.
આરોપીના પિતાનું ક્રોકરીઝનું કારખાનું
આ અકસ્માત કરનાર બીએમડબ્લ્યુના ચાલકનું નામ આત્મન અક્ષયભાઈ પટેલ(રહે.નાનામવા રોડ, સિલ્વર હાઈટ્સ સામે કિંગસ્ટોન એપાર્ટમેન્ટ) છે. તાલુકા પોલીસ મથકના પીએસઆઈ પી.જી.પરમારે જણાવ્યા અનુસાર, આ આત્મન ન્યારી ડેમ પાસે આવેલા તેના મિત્રના કાફેથી પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જે વાહનથી અકસ્માત સર્જાયો તે કાર આ આત્મનના પિતા અક્ષયભાઈ ઠાકરશીભાઈ પટેલના નામે રજિસ્ટર છે. અકસ્માત સર્જનાર ચાલકના પિતા અક્ષયભાઈનો મેટોડામાં કાચની ધાતુની ક્રોકરીઝ બનાવવાનો વ્યાપાર-ધંધો છે.