માર્ચ મહિનામાં મે મહિનાની ગરમીનો અનુભવ કરાવ્યા પછી હવે ગરમીના પ્રમાણમાં ઘટાડાનો સિલસિલો શરૂ થયો છે. ગઈકાલે રાજકોટ સિવાય રાજ્યના તમામ શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીથી નીચે આવી ગયો હતો. ગઈકાલે રાજકોટમાં મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી હતું. જ્યારે અમરેલીમાં 39.5, ભાવનગરમાં 38, ભુજમાં 39.6, ડીસામાં 38.5, દ્વારકામાં 29, કંડલામાં 36.3, નલિયામાં 35.2, ઓખામાં ૩૦.૪, પોરબંદરમાં 36.2, સુરતમાં 39.2 અને વેરાવળમાં 35 ડિગ્રી રહ્યું હતું.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ રાજ્યના અન્ય વિસ્તારોની સરખામણીએ સૌરાષ્ટ્ર કચ્છમાં હજુ ગરમીનું પ્રમાણ વધુ રહેશે. સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે અને આવતીકાલે ગરમ અને ભેજવાળા વાતાવરણનું એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે. આગામી છ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો હજુ થશે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગરમીના પ્રમાણમાં ઘટાડાનું સિલસિલો અગામી 6 દિવસ સુધી ચાલુ રહેશે અને તેના કારણે લોકોને પ્રમાણમાં હજુ વધુ રાહત મળશે. પરંતુ આમ છતાં ઉનાળાની ગરમીનો અહેસાસ યથાવત રહેશે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગરમીમાં ઘટાડો થશે પરંતુ આમ છતા મહત્તમ તાપમાન 30 થી 35 ડિગ્રી વચ્ચે રહેશે.
થોડા દિવસ સમગ્ર દેશમાં ઊંચા મહત્તમ તાપમાનના મામલે રાજકોટ અને સુરેન્દ્રનગર હતા. પરંતુ ગઈકાલે સમગ્ર દેશમાં સૌથી ઊંચું તાપમાન વિદર્ભના અમરાવતીમાં 42.2 ડિગ્રી નોંધાયું છે. આવતીકાલે હિમાલયન રીજીયનમાં એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સર્જાવવાનું છે અને તેના કારણે જમ્મુ કશ્મીર હિમાચલ પ્રદેશ સિક્કિમ સહિતના અમુક રાજ્યોમાં વરસાદ માટે ચેતવણી આપવામાં આવી છે.