આ વર્ષે હજુ તો ઠંડી જોરદાર પડી નથી, સમયાંતરે માવઠાની આગાહી કરવામાં આવે છે ત્યારે આગામી તા.૩૧ ડીસેમ્બર અને તા.૧ જાન્યુઆરી એટલે કે નવા વર્ષના પ્રારંભમાં જ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં માવઠુ થશે તેવી હવામાન ખાતાની આગાહીથી હાલારના ખેડુતોમાં ચિંતાનું મોજુ ફરીવળ્યું છે, અવારનવાર માવઠાને કારણે જિલ્લાનો ખેડુત પાયમાલ થઇ ચૂકયો છે, સરકાર તરફથી મળતી સહાય માત્ર ૭ થી ૮ ટકા જેટલી હોય છે ત્યારે મગફળી અને કપાસના પાક ઉપર માવઠાએ વિનાશ કર્યો હતો, હવે જો બે દિવસ માવઠુ થશે તો ફરીથી ખેડુતોને આર્થિક નુકશાની ભોગવવી પડશે, જામનગરમાં પણ બપોરના ગરમી અને સવાર-સાંજ ઠંડીનું વાતાવરણ જોવા મળે છે અને આજનું તાપમાન ૧૫ ડીગ્રી રહ્યું છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન ૧૫ ડિગ્રી જયારે મહત્તમ તાપમાન ૨૮.૫ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૫ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૨૦ થી ૨૫ કિ.મીની ઝડપે રહી હતી, સવારે અને રાત્રિના દરમિયાન ઠંડી તેમજ બપોરે આકરા તાપને લઈને મિશ્ર વાતાવરણ જોવા મળી રહયું હતું.
ધીમે-ધીમે ઠંડી વધતી જાય છે ત્યારે જી.જી.હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં તાવ, શરદી, ઉધરસના કેસો વધી રહ્યા છે, જો કે હજુ પણ બપોરના ભાગમાં ગરમી જોવા મળે છે, જો ઠંડી પડે તો જીરૂ, બાજરી, ઘઉં, ચણા જેવા શિયાળુ પાકને પણ ફાયદો થાય તેમ છે, જો કે દેવભુમિ દ્વારકા જિલ્લામાં પણ છેલ્લા ૧૦-૧૨ દિવસથી ઠંડીનું પ્રમાણ વઘ્યું છે.
જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી મિશ્ર ઋતુનું વાતાવરણ જોવા મળે છે, શહેરમાં મચ્છરનો ઉપદ્રવ પણ વધી ગયો છે, ઋતુ બદલાતા તાવ, શરદી, ઉધરસના કેસો પણ વઘ્યા છે, જામનગર શહેર અને ગામડામાં કમળાના દર્દીઓનું પ્રમાણ વઘ્યું છે અને ખાનગી હોસ્પિટલમાં વધુ બે દર્દીઓને કમળાની અસર જોવા મળી છે, આ વખતે શિયાળામાં ખાસ કોઇ ઠંડી પડી નથી, હવામાન ખાતાએ મંગળ અને બુધ કડકડતી ઠંડી પડશે તેવી આગાહી કરી હતી, પરંતુ આગાહી મુજબ ઠંડી પડી નથી.