#aajkaal ટીમ
ગુજરાતમાં 24 કલાકમાં 71 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે.સૌથી વધુ નવસારીમાં 6. 18, વલસાડના ઉમરગામમાં 3.66, સુત્રાપાડામાં 3.54, ખેરગામમાં 2.87, જલાલપોરમાં 2.72, કપરાડામાં 2.36, વેરાવળમાં 2.32, ડાંગ-આહવામાં 2.2, વલસાડમાં 2.2, ચીખલીમાં 1.97, કામરેજમાં 1.97, સુરતમાં 1.93, પારડીમાં 1.89, પલસાણામાં 1.61, સુરતના મહુવામાં 1.57 અને ડોલવણમાં 1.38 ઈંચ વરસાદ નોંધાયો છે.
ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબકયો હતો અને વેરાવળ, ઉના, તાલાલા, ગીર ગઢડામાં માવઠું પડતા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. વેરાવળમાં અઢી ઇંચ, ઉનામાં 1 ઇંચ, જ્યારે તાલાલા અને ગીર ગઢડામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો, ભારે વરસાદના કારણે મગફળીના પાકને નુકસાન થયું છે.
સોમનાથમાં ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણી
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પવિત્ર ધામમાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદની શરૂઆત થતાં જ રોડ-રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સોમનાથ મંદિર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો, જેના લીધે આસપાસના વિસ્તારોમાં પણ માવઠાની અસર જોવા મળી હતી. યાત્રાધામમાં આવેલા શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોને અચાનક વરસેલા વરસાદના કારણે અગવડતાનો સામનો કરવો પડ્યો હતો.
ખેડૂતોના મોઢામાંથી કોળિયો છીનવાયો
કમોસમી વરસાદની આ સિસ્ટમ ખેડૂતો માટે બેવડી આફત લઈને આવી છે. એક તરફ શિયાળુ પાકની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ કપાસ, મગફળી અને અન્ય પાકોની લણણી ચાલી રહી છે. આવા સમયે વરસાદ થવાથી તૈયાર પાક ભીંજાઈ જાય છે, જેની ગુણવત્તા બગડે છે અને ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડે છે. ગીર સોમનાથના ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક પાક સર્વે અને યોગ્ય વળતરની માંગ કરી છે, જેથી આ કમોસમી માવઠાના કારણે થયેલા નુકસાનમાંથી તેઓ બહાર આવી શકે.