ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યા બાદ વધેલા ઉકળાટ અને બફારાથી ત્રસ્ત નાગરિકો માટે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. રાજ્યમાં આગામી દિવસોમાં પવન અને ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદી માહોલ જામવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિતની ત્રણ અલગ-અલગ હવામાન સિસ્ટમ એકસાથે સક્રિય થઈ હોવાના કારણે આગામી ૮ અને ૯ ઓગસ્ટના રોજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જેને પગલે હવામાન વિભાગ દ્વારા આગોતરું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે
આજે ૭ ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારો જેવા કે અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા અને નર્મદામાં મેઘમહેર જોવા મળી શકે છે. આ તમામ વિસ્તારોમાં હળવાથી મધ્યમ સ્વરૂપનો વરસાદ થવાની પૂર્ણ સંભાવના છે. વરસાદી માહોલ સર્જાવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે અને લોકોને બફારામાંથી મુક્તિ મળશે.
વરસાદની તીવ્રતામાં વધારો થતાં ૮ ઓગસ્ટથી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાનું જોર વધશે. ૮ ઓગસ્ટે ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતાને ધ્યાને રાખીને યલો એલર્ટ જાહેર કરાયું છે. ત્યારબાદ ૯ ઓગસ્ટે પણ વરસાદની આ તીવ્રતા યથાવત્ રહેશે અને બનાસકાંઠા, વાવ-થરાદ, સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે યલો એલર્ટ જારી રાખ્યું છે.
હવામાનમાં આવેલા આ વ્યાપક ફેરફારોના પરિણામે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પવનની ગતિમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. દરિયામાં કરંટ વધવાની અને તેજ પવન ફૂંકાવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે માછીમારોને આગામી દિવસો દરમિયાન દરિયો ન ખેડવાની કડક આદેશ સાથેની સૂચના આપવામાં આવી છે.