BREAKING NEWS

આ દૃશ્યો જોઈ તમારી આતરડી કકળી ઉઠશે, જગતના તાતની પરસેવાની કમાણી માવઠું તાણી ગયું, સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ માજા મુકી

  • October 28, 2025 09:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે. મગફળીના તૈયાર પાક પર પાણી ફરી વળતી જગતના તાતને પડ્યા પર પાટું પડ્યું છે. મગફળીના પાથરા પલળી ગયા છે અને અનેક વિસ્તારોમાં આખે આખા પાથરા જ તણાઈ ગયા છે. આથી ખેડૂતોના હાથમાં કાંઈ આવે નહીં તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. 24 કલાકમાં સૌથી વધુ રાજુલામાં 8.50 ઈંચ, ભાવનગરના મહુવામાં 7.24 ઈંચ, સુત્રાપાડામાં 6.85 ઈંચ અને ઉનામાં 5.55 ઈંચ વરસાદ ખાબક્યો છે. 


ગીર સોમનાથના કોડીનાર તાલુકાના કડોદરાગામ અને પ્રશ્નાવડા ગામે એવા દૃશ્યો સામે આવ્યા છે કે જે જોઈને તમારી આતરડી પણ કકળી ઉઠશે. વરસાદના પાણીમાં ખેતરો ગરકાવ થઈ ગયા છે અને તણાઈને આવેલી મગળફીના શેઢે ઢગલા થઈ ગયા છે. તેમજ અન્ય એક તસવીરમાં જોવા મળે છે કે મગફળીના પાથરા પાણીમાં ખદબદી રહ્યા છે. આ જોઈને ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. 


રાજ્યના વિવિધ તાલુકાઓમાં આફતનું માવઠું વરસ્યુ છે. 24 કલાકમાં 239 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમા સૌથી વધુ અમરેલીના રાજુલામાં 8.50 ઈંચ વરસાદ, ભાવનગરના મહુવામાં 7.24 ઈંચ, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 6.85 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉના અને ગળતેશ્વરમાં 5.55 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 15 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 56 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 


દિવાળી બાદ ખાબકેલા કમોસમી વરસાદે ખેડૂતોને પારાવાર નુકસાન પહોંચાડ્યું છે. જેમા સૌરાષ્ટ્રમાં કપાસ, ડુંગળી, મગફળી સહિતના પાકો ધોવાઈ ગયા છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકને ભારે નુકસાન થયુ છે. હજુ રાજ્યમાં હજુ 31 ઓક્ટોબર સુધી માવઠાની ઘાત તોળાઈ રહી છે.


ગીર ગઢડાના રાવલ ડેમમાં પાણીની આવક વધતાં 3 દરવાજા 1 ફૂટ ખોલી પાણી છોડાતા નદી કાંઠાના 17 ગામોને એલર્ટ કરાયા છે. જો રાવલ નદીના પાણી કાંઠા બહાર નીકળશે તો ખેડૂતોના ભારે નુકસાન વેઠવું પડશે.


જિલ્લામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખેતરોમાં તૈયાર થયેલો ઊભા પાક છે, તેવામાં આફતરૂપી કમોસમી વરસાદ ખેડૂતની મહેનત અને આવક ઉપર પાણી ફેરવી નાખશે, જેને લઈ ખેડૂતોની ચિંતા વધી છે. બીજી તરફ સતત ધોધમાર વરસાદના પગલે વાતાવરણ પણ ઠંડુગાર બન્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application