અમરેલી જિલ્લાભરમાં વરસી રહેલા આફતરૂપી ભારે વરસાદને કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદના કારણે નદી-નાળાં બે કાંઠે વહેવા લાગ્યા છે અને અનેક જગ્યાએ કોઝવે તથા માર્ગો ધોવાઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. પૂરના પાણી ઘરોમાં ઘૂસી જતાં સ્થાનિક રહીશોને મોટું નુકસાન પહોંચ્યું છે, તો બીજી તરફ લાઠી નજીક એક માસૂમ બાળકી પૂરના પાણીમાં તણાઈ જવાની કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે.
માસૂમ બાળકી પાણીના પ્રવાહમાં તણાઈ, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
લાઠી તાલુકાના માલવિયા પીપરિયા ગામ નજીક બપોરના સમયે અચાનક પાણીના વોકળામાં પૂર આવ્યું હતું. આ ધસમસતા પ્રવાહમાં એક ખેતમજૂર પરિવારની ૩ વર્ષીય માસૂમ બાળકી 'નંદની' તણાઈ ગઈ હતી. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક પ્રશાસન તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયું હતું. તંત્ર દ્વારા છેલ્લા ૩ કલાકથી વધુ સમયથી પાણીના તીવ્ર પ્રવાહમાં માસૂમ બાળકીની શોધખોળ માટે સઘન રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે.
કોઝવે ધોવાયા, નેશનલ હાઈવે બાધિત થતાં ટ્રાફિક જામ
ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર પર આકરી અસર પડી છે. મોટા ગોખરવાળા પાસે આવેલા કોઝવે પર વરસાદી પાણી ફરી વળતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનોની અવરજવર છેલ્લા બે કલાકથી વધુ સમયથી સંપૂર્ણ બંધ થઈ ગઈ છે, જેના લીધે રોડની બંને બાજુ વાહનોની લાંબી લાઈનો લાગી છે. આ ઉપરાંત, વડિયાના ખાણ ખીજડીયાથી ઢૂંઢીયા પીપળીયા જવાનો માર્ગ સુરવો નદીના પાણીના પ્રવાહમાં માટીનો કોઝવે ધોવાઈ જતાં બંધ થઈ ગયો છે.
નદીઓમાં પૂર, ઠેબી ડેમના ૨ દરવાજા ખોલાયા અને સોનલ ડેમ ઓવરફ્લો
ગીર પંથકમાં અનરાધાર વરસાદથી ગાવડકા નજીક શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. લીલીયા શહેરની મધ્યમાંથી વહેતી નાવલી નદીમાં નવા નીર આવતાં કાંઠાના વેપારીઓને મુશ્કેલી પડી રહી છે. ઉપરવાસમાં ભારે આવક થતાં ઠેબી નદીના ૨ દરવાજા ૦.૧૫ મીટર સુધી ખોલવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નીચાણવાળા અમરેલી, ફતેપુર, પ્રતાપરા અને ચાપાથળ ગામોને એલર્ટ કરી નદીના પ્રવાહથી દૂર રહેવા સૂચના અપાઈ છે. રાહતના સમાચાર એ છે કે મોટી કુંકાવાવ ખાતે આવેલો સોનલ ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે.
અમરેલી શહેર અને લીલીયામાં ઘરો-રસ્તાઓ જળમગ્ન
અમરેલી શહેરમાં લાઠી રોડ સહિતના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પાલિકા તંત્રની ઘોર બેદરકારી અને રોડના ચાલુ કામના કારણે અનેક વાહનો બંધ પડી જતાં કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. આ તરફ લીલીયાના મફત પ્લોટ વિસ્તારમાં ઘરોમાં ગોઠણસમા પાણી ઘૂસી જતાં લોકોની ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે. તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતાં સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે.
ધારીના કેનાલપરામાં ૭ ઈંચ વરસાદ: પાક ધોવાયો
ધારીના કેનાલપરા ગામે ગત રાત્રે ૭ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતાં ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે. ખેડૂતોનો તૈયાર થયેલો પાક પાણીમાં ડૂબી જતાં ભારે આર્થિક નુકસાન પહોંચ્યું છે અને ખેડૂતોને ફરીથી વાવણી કરવાનો વારો આવ્યો છે.