બંગાળની ખાડીના દક્ષિણ તરફના ભાગમાં સર્જાયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન આજે સવારે 5:30 વાગે તે વિસ્તારમાં જ લો પ્રેસરના સ્વરૂપમાં પરિવર્તિત થયું છે અને આગામી 48 કલાક માટે વધુ પ્રભાવશાળી બનશે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ બંગાળની ખાડીની આ સિસ્ટમ વેસ્ટ નોર્થ વેસ્ટ દિશામાં ગતિ કરી રહી છે. આ સિસ્ટમના કારણે માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે. પવનની ગતિ વધી ગઈ છે. પ્રતિ કલાકના 35થી 45 કીલોમીટરની ઝડપે પવન ફુકાય છે અને અમુક તબક્કે તેની ઝડપ વધીને 55 કીલોમીટર સુધી પહોંચી જાય છે.
તારીખ 19 સુધી વરસાદ માટેની આગાહી કરવામાં આવી
પંજાબમાં પણ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળે છે. હિમાલયન રીજીયનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ચાલુ છે. આ તમામ બાબતોને કારણે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અંદામાન નિકોબાર પંજાબ હરિયાણા ચંડીગઢ રાજસ્થાન મધ્યપ્રદેશ તામિલનાડુ કેરલામાં તારીખ 19 સુધી વરસાદ માટેની આગાહી કરવામાં આવી છે.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયું
ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં આ સિસ્ટમની અસર જોવા મળે છે અને તેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે. મહત્તમ તાપમાન નીચે ઉતર્યું છે અને તેના કારણે ખુશનુમા વાતાવરણ અનુભવાય છે. આજે વેરાવળમાં 78, પોરબંદરમાં 88, કંડલામાં 87, નલિયામાં 85, ભુજમાં 86 ટકા ભેજ નોંધાયો હતો. દરિયાકાંઠાના વિસ્તારમાં ન હોવા છતાં રાજકોટમાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૦ ટકા રહ્યું હતું અને લઘુતમ તાપમાન 15.8 ડિગ્રી નોંધાયું હતું.
ત્રણ દિવસમાં ત્રણથી ચાર ડિગ્રી જેટલું તાપમાન વધી જશે
આ તમામ શહેરોના ગઈકાલના મહત્તમ તાપમાનની વાત કરીએ તો દ્વારકામાં 26.2, ઓખામાં 28.2, ભુજમાં 31.5, નલિયામાં 28.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું, આજે લઘુતમ તાપમાન આવા શહેરોમાં 15 ડિગ્રી આસપાસ રહ્યું છે. અમદાવાદ વડોદરા ડાંગ સુરત જેવા શહેરોમાં મહત્તમ તાપમાન 34 ડીગ્રીને પાર કરી ગયું છે. રાજકોટમાં ગઈકાલે 33.7 ડીગ્રી મહત્તમ તાપમાન હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ બે દિવસ સુધી તાપમાનમાં ખાસ મોટી વધઘટ નથી પરંતુ ત્યાર પછી ત્રણ દિવસમાં ત્રણથી ચાર ડિગ્રી જેટલું તાપમાન વધી જશે.