ખાંભા તાલુકા અને આસપાસના ગીર પંથકમાં હવામાન વિભાગની આગાહી સાચી સાબિત થઈ. અચાનક આવેલા તોફાની કમોસમી વરસાદે આખા વિસ્તારમાં હાહાકાર મચાવ્યો છે. ધાવડીયા, લાસા, ગીદરડી અને નાની ધારી જેવા ગામોમાં ભારે વરસાદ વરસતા ગામનાં રસ્તાઓ નદી બની ગયા છે. લોકો ઘરમાં જ પુરાયા ગયા, તો ખેતરોમાં પાણી ભરાતા પાકને પણ નુકસાન પહોંચ્યું છે.
ઉપરવાસમાં સતત વરસતા વરસાદને કારણે તાતણીયા ગામની નજીક આવેલી સ્થાનિક નદીમાં અચાનક ઘોડાપૂર આવતાં પરિસ્થિતિ ગંભીર બની ગઈ. ધસમસતા પાણીના પ્રવાહથી તાતણીયા ધરાવાળા ખોડિયાર માતાજી મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. થોડી જ પળોમાં મંદિરના પટાંગણ સુધી પાણી પહોંચી ગયું અને સમગ્ર મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું. ગામલોકો આ દૃશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગયા. અનેક લોકોએ પોતાના મોબાઇલમાં આ દૃશ્ય કેદ કર્યા, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા.

તાતણીયા અને આસપાસના ગામોના લોકો તુરંત જ સજાગ બની બચાવ કામગીરી શરૂ કરી. યુવાનોએ મંદિર પહોંચી મહત્વના સામાનને સલામત સ્થળે ખસેડવાનો પ્રયાસ કર્યો. ગ્રામ પંચાયત અને તાલુકા પ્રશાસન પણ તાત્કાલિક હરકતમાં આવ્યું.

હાલમાં વરસાદ થંભ્યો હોવા છતાં નદીના કાંઠા પર પાણીનું સ્તર હજુ ઊંચું છે. ગ્રામજનોએ આશા વ્યક્ત કરી છે કે ખોડિયાર માતા કૃપા કરે અને ગામને ફરી શાંતિ આપે. આ અચાનક આવેલા કમોસમી વરસાદે ગામલોકોને કુદરતની શક્તિ સામે નમ્રતા શીખવી દીધી છે.