ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ એવા જન્માષ્ટમી પર્વનો આજથી પ્રારંભ થતાં સમગ્ર સૌરાષ્ટ્રમાં ધાર્મિક માહોલની સાથે મેળાની રંગત પણ છવાવા જઈ રહી છે. જન્માષ્ટમીને લઈને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી સહિતના લોકમેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે આજથી જ સૌરાષ્ટ્રના શહેરો-ગામડાંમાં ઉત્સવનો માહોલ જોવા મળશે. જેને લઈને તંત્ર પણ સજ્જ બન્યું છે.જન્માષ્ટમી પર્વની ઉજવણીમાં રાજકોટ શહેરનો લોકમેળો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહેલા લોકમેળામાં યાંત્રિક રાઇડ્સ, ચકડોળ, રમકડાંના સ્ટોલ, ખાણીપીણીના સ્ટોલ સહિત મનોરંજનની વિવિધ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. આજથી પાંચ દિવસ સુધી ચાલનારા આ મેળામાં રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટશે. લાખોની સંખ્યામાં લોકો મેળાની મોજ માણે તેવી શક્યતા હોવાથી રેસકોર્સ ગ્રાઉન્ડ અને આસપાસના વિસ્તારોમાં ભારે ભીડ રહેવાની સંભાવના છે. મેળામાં આવતા લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા પણ વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક વ્યવસ્થા, ફાયર સેફ્ટી, આરોગ્ય સેવા, કંટ્રોલ રૂમ સહિતની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. યાંત્રિક રાઇડ્સની સલામતી સહિતના પાસાઓની ચકાસણી બાદ જ મંજૂરી આપવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. ખાનગી મેળાઓમાં પણ લોકો માટે વિવિધ મનોરંજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ, આજથી શરૂ થયેલા જન્માષ્ટમી પર્વ દરમિયાન શ્રદ્ધા, ભક્તિ અને મોજ-મસ્તીનો ત્રિવેણી સંગમ જોવા મળશે. સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં શહેરથી ગામડાં સુધી કૃષ્ણમય માહોલ વચ્ચે મેળાની રોનક છવાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application