BREAKING NEWS

રાજકોટમાં 3 વર્ષની બાળકીની દુષ્કર્મ-હત્યા મામલે રમેશ વૈધુકિયાને ફાંસીનો હુકમ હાઇકોર્ટ દ્વારા રદ

  • February 07, 2026 10:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં થોરાળા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરી જઇ દુષ્કર્મ આચરી બાળકીની હત્યા કરી મૃતદેહ ફેંકી દેવાના માર્ચ 2018ના અતિ ચકચારી કેસમાં સ્પે. પોક્સો કોર્ટે 2020ની સાલમાં આરોપી રમેશ બચુભાઈ વૈધુકિયાને ફટકારેલી મૃત્યુ દંડ એટલે કે ફાંસીની સજા ગુજરાત હાઇકોર્ટે રદ કરીને આરોપી રમેશ વૈધુકિયાને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે.

જે તે વખતે ભારે ચકચારી બનેલા આ કેસની હકીકત મુજબ, ગઇ તા.9- 2- 2018ના રોજ ફરિયાદી દ્વારા થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવેલ, જેમાં ફરિયાદી તથા તેના પત્ની ચુનારાવાડ ચોક આગળ ભાવનગર રોડ વોંકળાના કાંઠે કડિયા કામની મજૂરી કરતાં હતા, ત્યારે ફરિયાદીની દીકરી (ઉ. વ. 3) જે રોડ ઉપર રમતી હતી, તેનું અપહરણ કરી ગંજીવાડાના નાકા આગળ આઈ. ટી. આઈ.ના અવાવરું ખંડેરમાં લઈ જઈ દુષ્કર્મ આચરી ઇજા કરી મોત નિપજવાનો આરોપ આરોપી રમેશ બચુભાઈ વૈધુકિયા સામે મૂકવામાં આવેલ, અને તેની તા.15- 2- 2018ના રોજ ધરપકડ કરવામાં આવેલ. આજ આરોપી સામે અન્ય એક ગુનો તા.9- 2- 2018ના રોજ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં પણ નોંધાયો હતો, જેમાં અસમાબેન હાતીમભાઈનું ખૂન કરી સોનાના દાગીના લૂંટી લેવાનો આરોપ હતો.

દરમિયાન પોકસો/ એટ્રો કેસ નં. 28/2018માં રાજકોટના એડિશનલ સેશન્સ જજ દ્વારા તા.17- 3- 2020ના રોજ પોકસોવાળા કેસમાં આરોપી રમેશ બચુભાઈ વૈધુકિયાને મૃત્યુ દંડ (ફાંસી)ની સજા ફરમાવી હતી.

ત્યાર બાદ આરોપીએ મૃત્યુ દંડ (ફાંસી)ના ચુકાદા સામે ક્રિમિનલ અપીલ નં. ૬૯૫/૨૦૨૦ ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરેલ, જે અપીલની સુનવણી થતાં ફરિયાદ પક્ષે રહેલા અધિકારીઓ દ્વારા ડીએનએ સહિતના વૈજ્ઞાનિક પુરાવા સંદર્ભે એક્સપર્ટસને કોર્ટમાં તપાસવામાં આવ્યા નથી સહિતની જે ભૂલો કરેલ તેના તરફ વકીલોએ હાઇકોર્ટનું ધ્યાન દોરેલ અને હકીકતો હાઇકોર્ટ સમક્ષ લાવવામાં આવેલ અને ફાંસીની સજા થઈ શકે તેવા કોઈ પુરાવાઓ રેકર્ડ ઉપર નહિ હોવા અંગેની દલીલો કરેલ, જે દલીલો ગ્રાહ્ય રાખવામાં આવેલ અને આરોપીની ફાંસીની સજા રદ કરી આરોપીને નિર્દોષ છોડી મૂકતો ચુકાદો ગઇકાલ તા.6- 2- 2026ના રોજ જસ્ટિસ ઈલેશ વોરા તથા જસ્ટિસ આર. ટી. વાછાણીની કોર્ટે ફરમાવ્યો છે. જેમાં આરોપી સામે અન્ય કેસ પેન્ડિંગ ન હોય તો તાત્કાલિક છોડી મૂકવા જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application