જામનગર નજીક લાખાબાવળ પાસે ‘હીટ એન્ડ રન’નો બનાવ બન્યો હતો, જેમાં એક બાઈક સવાર વેપારી યુવાનને અજ્ઞાત વાહનના ચાલકે હડફેટલે લેતા કરૂણ મૃત્યુ નિપજ્યું છે, આ અંગે અજાણ્યા ચાલક સામે ફરીયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા શોધખોળ આદરવામાં આવી છે.
જામનગરની ભાગોળે ગોવર્ધન ગ્રીન્સ સોસાયટીમાં રહેતા અને વોટર સપ્લાય નો વ્યવસાય કરતા વનરાજસિંહ ભગવતસિંહ રાઠોડ નામના ૪૩ વર્ષના વેપારી તા. ૨૨ના રોજ પોતાનું જીજે૧૦ ડીએફ-૭૭૭૬ નંબરનું મોટર સાયકલ લઈને મોટી ખાવડી ગામ તરફ જઈ રહ્યા હતા.
જે દરમિયાન લાખાબાવળ ગામના પાટીયા પાસે કોઈ અજાણ્યા ભારે વાહનના ચાલકે તેઓને હડફેટમાં લેતા શરીરમાં ફ્રેકચર સહિતની ગંભીર ઇજાઓ થવાના કારણે તેઓનું ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જયારે અજ્ઞાત વાહન ચાલક અકસ્માત સર્જીને ભાગી છૂટયો હતો.
અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર જયરાજસિંહ વનરાજસિંહ રાઠોડએ સિક્કા પોલીસ મથકમાં અજાણ્યા વાહનના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા વાહનચાલકની શોધખોળ શરૂ કરાવાઈ છે, જ્યારે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.