રાજકોટમાં મુખ્યમાર્ગથી લઇને શેરીઓ સુધી એક પણ ચોક કે એક પણ થાંભલો એવો જોવા મળશે નહીં કે જ્યાં આગળ કોઇ ને કોઈ જાહેરાતના બોર્ડ બેનર કે પોસ્ટર લગાવેલા ન હોય ! આવા મફત પ્રચાર પ્રસારને ખુદ મનપા તંત્ર દ્વારા અપાતી મૌખિક કે લેખિત મંજૂરીઓને કારણે ખુદ મહાપાલિકા તંત્રને જ રેવન્યુ લોસ થઇ રહ્યો છે, મફત પ્રચાર માટે ગમે ત્યાં બોર્ડ, બેનર, પાટિયા લગાવવા મંજૂરી મળી જતી હોય મહાપાલિકાની એસ્ટેટ બ્રાંચની હોર્ડિંગ અને કિઓસ્ક સાઇટ્સ ખરીદવા કોઇ તૈયાર થતું નથી અને તૈયાર થાય તો પૂરતા ભાવ ઉપજતા નથી. ખુદ એસ્ટેટ બ્રાન્ચ જ આવી મંજૂરીઓ આપ્યા કરે છે અને દબાણ હટાવ બ્રાન્ચ જપ્ત કર્યા કરે છે, આ બન્ને બ્રાન્ચ વચ્ચે સંકલનનો સંપૂર્ણ અને વ્યાપક અભાવ છે.
દરમિયાન તાજેતરમાં દબાણ હટાવ ડ્રાઇવ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં મંજૂરી વિના મૂકેલા, મંજૂરી હોય છતાં નિયમ વિરૂધ્ધ મૂકેલા અને મંજૂરીની સમય મર્યાદા પૂર્ણ થઇ ગયા બાદ પણ લટકતા હોય તેવા વધુ ૨૦૩૫ બોર્ડ જપ્ત કરવામાં આવ્યા હતા, જાહેર કરાયેલી વિગતો મુજબ રેસકોર્સ રિંગ રોડ, જામનગર રોડ, જલારામ ચોક, જંકશન પ્લોટ, યુનિ.રોડ,૧૫૦ ફુટ રોડ, નાણાવટી ચોક, સાધુ વાસવાણી રોડ, પટેલ કન્યા છાત્રાલય, કોઠારીયા રોડ, સેટેલાઈટ ચોક સહિતના વિસ્તારોમાંથી ૨૦૩૫ બોર્ડ-બેનર જપ્ત કરવામાં આવ્યા હતા.
દબાણ હટાવ ટીમ બોર્ડ બેનર જપ્ત કર્યાની વિગતો જાહેર કરે ત્યારે પ્રથમ દર્શનીય રીતે શ્રેષ્ઠ કામ કર્યાનું જણાય પરંતુ જો ઉંડાણ પૂર્વક તપાસ કરાય તો દબાણકર્તાઓ માટે કે તેમના વતી કામ કરતી હોય તેવું જણાયા વિના રહે નહીં. દબાણ હટાવ બ્રાન્ચ ૨૦૩૫ બોર્ડ જપ્ત કરે ત્યાં નવા ચાર હજાર બોર્ડ બેનર મુકાઈ ગયા હોય છે, ક્યારેક તો નવા બોર્ડ બેનર મૂકવા માટેની જગ્યા કરવાના હેતુથી જૂના બોર્ડ બેનર જપ્ત કરતા હોય તેવી કામગીરી કરવામાં આવે છે. આ પ્રકારની કામગીરીથી બોર્ડ બેનર મૂકનારને તે દૂર કરવાનો ખર્ચ બચી જાય છે અને મનપા તંત્રના ખર્ચે અને તેની કામગીરીના ભાગરૂપે તે દૂર પણ થઇ જાય છે. મોટા ભાગના બોર્ડ બેનર યુઝ એન્ડ થ્રો ક્વોલિટીના જ હોય છે જેથી પાંચ પંદર દિવસનો પ્રચાર પ્રસારનો નિર્ધારિત સમય પૂર્ણ થયેથી તે જપ્ત કરવામાં આવે તો મૂકનારને કોઇ નુકસાન થતું નથી.