BREAKING NEWS

રાજકોટમાં DCP જગદીશ બાંગરવાના સમર્થમાં વિશાળ રેલી: મોટી સંખ્યામાં લોકો જોડાયા, જુઓ તસવીરો

  • April 01, 2026 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં કથિત પત્રકાર દ્વારા ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને ક્રાઇમ બ્રાંચ સામે કરેલા દમનના આક્ષેપને લઇ વાતાવરણ ભારે ગરમાયું છે. દરમિયાન આજરોજ ડીસીપી જગદીશ બાંગરવાના સમર્થનમાં રેલી યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. જેમાં ડીસીપી સામે કરવામાં આવેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવી કાર્યદક્ષ પોલીસ અધિકારીને સમર્થન જાહેર કર્યું હતું. બહુમાળી ભવનથી નીકળેલી આ રેલી પોલીસ કમિશનર કચેરી બાદમાં કલેકટર કચેરીએ પહોંચી હતી. બંને કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.


અરજીના કામે ક્રાઇમ બ્રાંચ લઇ ગયા બાદ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને અન્ય પોલીસ કર્મચારીએ મળી અસહ્ય દમન ગુજાર્યાના આક્ષેપ સાથે કથિત પત્રકાર હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેણે પોલીસ સામે કેટલાક ગંભીર આરોપો લાગવ્યા હતાં. આ આરોપોને લઇ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી આ વાત ચર્ચાનું કેન્દ્ર બની છે. પોલીસ અધિકારીના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ મુકાઇ રહી છે.


દરમિયાન આજરોજ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાના સમર્થનમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રેલીમાં ઇસ્ટ ઓર વેસ્ટ, ગુજરાત પોલીસ ઇઝ ધ બેસ્ટ સહિતના બેનરો સાથે લોકો જોડાયા હતાં. રેલી બહુમાળી ભવનથી નીકળ્યા બાદ પ્રથમ પોલીસ કમિશનર કચેરીએ પહોંચી અહીં આવેદનપત્ર આપ્યું હતું. બાદમાં રેલી કલેકટર કચેરીએ પહોંચી હતી. અહીં પણ આવેદન આપવામાં આવ્યું હતું.


બંને કચેરીએ જે આવેદન આપવામાં આવ્યું છે તેમાં મુખ્ય રીતે એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, રાજકોટના ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને કથિત પત્રકાર વચ્ચે બનેલી ઘટનામાં ડીસીપી સામે જે આક્ષેપો કરવામાં આવ્યા છે. તે પાયાવિહોણા છે. આ ઘટનાને લઇ પોલીસ વિરૂધ્ધ જે આરોપો લગાવવામાં આવી રહ્યા છે તે તથ્યવિહિન છે. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાનું સન્માન જળવાઇ રહે તેમની બદલી કરવામાં ન આવે કારણ કે આવું કરવાથી પોલીસનું મોરલ તૂટવાની શકયતા છે.


અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં થોડાં દિવસથી કથીત પત્રકારને માર મારવા અંગેના પોલીસ પર ગંભીર પ્રકારના આક્ષેપો લાગી રહ્યાં છે. જેમાં ડિસીપી ક્રાઈમ બાંગરવાએ ગુદા માર્ગમાં પેટ્રોલ છાંટયાના આરોપો લાગતા વાતાવરણ તંગ બન્યું હતું. જો કે, તબીબી રિપોર્ટમાં ગુદામાર્ગમાં પેટ્રોલનું ઇન્જેક્શન આપ્યાનો કે અંદર દાખલ કર્યાનું તપાસમાં ફલિત ન થયું ન હતું.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application