સુરતમાં પત્ની પ્રેમી સાથે રંગરેલિયા મનાવતી હતી. આ સમયે પતિ આવ્યો અને કઢંગી હાલતમાં બંનેને જોઈ લીધા હતા. બાદમાં પત્ની સાથે ઝઘડો થયો હતો. આથી પત્ની પિયર જતી રહી હતી. ત્યારબાદ પતિએ ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. જોકે મૃતકના સંબંધીએ આક્ષેપ કર્યો છે કે તેને મારીને લટકાવી દીધો છે.
મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તરપ્રદેશ પ્રતાપગઢના વતની અને હાલ સચિન જીઆઇડીસી ખાતે મહાદેવ મંદિરની પાછળ આવેલ એક મકાનમાં 25 વર્ષીય યુવક પત્ની તેમજ એક પુત્ર સહિતના પરિવાર સાથે રહેતો હતો અને એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગઈકાલે રાત્રે યુવકે ઘરમાં પંખા સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
પત્ની પ્રેમી સાથે અંગત પળો માણી રહી હતી ને...
મૃતક યુવકના સંબંધીએ જણાવ્યું હતું કે દસેક દિવસ પહેલા પત્નીને તેના પ્રેમી સાથે કઢંગી હાલતમાં યુવક જોઈ ગયો હતો. જે વાતને લઈ દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. જેથી પત્ની રિસાઈને પિયરમાં જતી રહી હતી. બાદમાં યુવકે અંતિમ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે ઊંડાણપૂર્વકની તપાસ સચિન જીઆઇડીસી પોલીસ કરી રહી છે.
મૃતકના સંબંધીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, શંકા એટલા માટે છે કે એક-બે મહિનાથી કોઈ પારિવારિક વિવાદ ચાલતો હતો, પણ અમને એની કોઈ જાણકારી નહોતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે તેની પત્નીને કોઈ બીજા છોકરા સાથે સંબંધ હતો. એક દિવસ છોકરાએ તેને રંગેહાથે પકડી પાડી હતી. પકડાયા પછી કદાચ છોકરા કે પત્ની સાથે મારામારી થઈ હશે. એ પછી તે પત્ની કોઈ પરિચિત સાથે ગામ જતી રહી.
વધુમાં જણાવ્યું હતું કે, 10 દિવસ પછી સમાચાર આવ્યા કે પંખે લટકેલી હાલતમાં તેની લાશ મળી છે. લાશ જમીનને અડેલી હતી. અમને બે દિવસ પછી ખબર પડી. બોડી જે રીતે લટકી રહી છે તે રીતે માર મારીને ફાંસીએ લટકાવી દીધી હોય તેવી શંકા છે. અમારી માંગ એ જ છે કે પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ આ મામલે ઊંડી તપાસ કરે અને જે પણ દોષિત હોય તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરે.