BREAKING NEWS

પડધરીમાં પત્નીએ બે હજાર ખર્ચી નાખતા ઠપકો આપનાર પતિની સસરા-સાળાએ મળી હત્યા કરી

  • March 30, 2026 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પડધરી તાલુકાના ખોડાપીપર ગામની સીમમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. અહીં રહેતા મધ્યપ્રદેશના શ્રમિક યુવાનને તેના સસરા અને સાળાએ ધોકાના ઘા ફટકારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પત્ની સોમવારી બજારમા રૂ.૨૦૦૦ હજાર ખર્ચી નાખતા આ બાબતે દંપતી વચ્ચે ઝઘડો થયા બાદ યુવાનને સસરા- સાળાએ મળી પતાવી દઇ લાશને ઢસડીને નજીકની વાડીમાં ફેંકી દીધી હતી. જે અંગે પડધરી પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.


હત્યાના બનાવમાં મધ્યપ્રદેશના અલીરાજપુરના 65 વર્ષીય વૃદ્ધ શેકડીયાભાઈ નાન્સિયાભાઇ દેહદીયાએ પડધરી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વેરસિંહ કોન્યાભાઈ બુડેળીયા, રમેશ વેરસિંહ બુડેળીયા અને ધર્મેશ પઘમભાઈ ચીકલકુરિયાનું નામ આપતાં પડધરી પોલિસેં બીએનએસની કલમ 103(1),238(એ), 351(3) હેઠળ ગુનો નોંધી ત્રણેય આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધા છે.

પડધરીના ખોડાપીપર ગામની સીમમાં જગદિશ હાપલીયાની વાડી વાવતાં મૂળ મધ્યપ્રદેશના માનસિંગ દહેદીયા (ઉ.વ.૩પ) ને સંતાનમાં ચાર પુત્ર અને બે પુત્રી છે. તેને છેલ્લા ઘણાં સમયથી પત્ની કરમા સાથે ઝઘડો ચાલતો હતો. મુખ્યત્વે પૈસા ખર્ચવા બાબતે, ખેતી કામ બાબતે ઝઘડો થતો હતો. અવાર-નવાર દારૂ પી આવતો હોવાથી તે બાબત પણ ઝઘડાનું કારણ બનતી હતી. જેને લીધે તેની પત્ની કરમા બાજુમાં જ વાડી વાવતાં સસરા વેરસિંગને ત્યાં અવાર-નવાર જતી રહેતી હતી. ગઈ તા.ર૩ના રોજ તે તેની પાસે આવી હતી અને રૂા.ર૦૦૦ લઈ પડધરીની સોમવારી બજારમાં ખરીદી કરવા ગઈ હતી. ખરીદી કરી પરત વાડીએ આવી ત્યારે બધા રૂપિયા ખર્ચી નાખવા બાબતે ઝઘડો થતાં બંને વચ્ચે વાડીની બહાર રોડ પર ઝઘડો થયો હતો.


જેનો અવાજ સાંભળીને નજીકની વાડીમાં રહેતો સસરો વેરસિંગ બુડેળીયા અને સાળો રમેશ અને ધસી આવ્યા હતા. બંનેનો પરિચિત ધર્મેશ ચીકલગુરીયા પણ આવ્યો હતો. આવીને ત્રણેય આરોપીઓએ માનસિંગના માથામાં ધોકા અને લાકડીના ઘા ઝીંકી દેતાં તેનું મોત નિપજયું હતું. ત્યાર બાદ ત્રણેય આરોપીઓ તેની લાશ ઢસડી નજીકની વાડીમાં ફેંકી આવ્યા હતા. જયાંથી ગઈકાલે કોહવાઈ ગયેલી લાશ મળી આવી હતી.


જાણ થતાં પડધરી પોલીસે સ્થળ પર જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સિવિલમાં ખસેડયો હતો. ફોરેન્સિક નિષ્ણાંત તબીબોએ માથામાં બોથડ પદાર્થના ઘા લાગવાથી મોત થયાનો અભિપ્રાય આપ્યો હતો. જેના આધારે પડધરી પોલીસે આજે મૃતકના પિતા શેકડીયાભાઈની ફરિયાદ પરથી મૃતકના સસરા વેરસિંગ, સાળો રમેશ અને મિત્ર ધર્મેશ સામે ખૂનનો ગુનો નોંધી ત્રણેય આરોપીઓને સકંજામાં લઇ લીધા હતા. મૃતકના સસરા અને સાળો ખોડાપીપર ગામે કાંતીભાઈ પટેલની વાડીએ રહે છે.


જમાઇની હત્યા કરી પુત્રીને ધમકી આપી

પુત્રીની નજર સામે જ પિતા સહીતની ટોળકીએ 35 વર્ષીય જમાઈને ધોકાના ઘા ઝીંકી પતાવી દીધો હતો. બાદમાં ત્રણેયએ પુત્રીને ધમકાવતા કહ્યું હતું કે, તું અહીંથી વાડીએ ચાલી જા અને આ તારા પતિને અમે મારેલ તેની કોઇ ને વાત કરતી નહીં, નહીંતર તને પણ મારી નાખીશું તેવી ધમકી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application