રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૧૭માં ભાજપમાં ભારે સખળ ડખળ જોવા મળી રહી છે, વોર્ડના પૂર્વ કોર્પોરેટર અનિતાબેન ગૌસ્વામી અને તેમના પતિ ગૌતમભાઇ ગૌસ્વામીએ દાવેદારી કર્યા બાદ એકાએક હવે સોશ્યલ મીડિયામાં એવું જાહેર કર્યું છે કે અમે દાવેદારી પરત ખેંચીએ છીએ, અમારે કે અમારા પરિવારમાંથી કોઈએ ચૂંટણી લડવી નથી. આ પ્રકારની જાહેરાતથી ભાજપના વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
ભાજપ અગ્રણી ગૌતમભાઇ ગૌસ્વામીએ અનેક વ્હોટ્સ એપ ગ્રુપમાં આ અંગેનો મેસેજ પોસ્ટ કર્યો છે. મેસેજમાં તેમણે જણાવ્યા મુજબ, રાજકોટ મહાનગર વોર્ડ નં.૧૭માંથી મેં ચૂંટણી લડવા માટેની પાર્ટી પાસે ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ હવે સ્વેચ્છાએ હું કે મારા પરિવારમાંથી પણ કોઈ ચૂંટણી નથી લડવી તેવી લાગણી વ્યક્ત કરું છું અને વોર્ડ નં.૧૭માં પાર્ટીના જે કોઈ ચાર ઉમેદવાર ટિકિટ ફાળવશે તેને બહુમતીથી જીતાડીશું. લી.ગૌતમ ગોસ્વામી અને અનિતાબેન ગોસ્વામી તેમ મેસેજના અંતમાં જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વોર્ડના અન્ય પૂર્વ કોર્પોરેટર વિનુ ધવાની ટિકિટ પણ કપાય તેવી શક્યતા હોય તેણે પોતાના પુત્રને ટિકિટ આપવા માંગ કરી છે. આ વોર્ડમાં ભારે ખેંચતાણ હોય એવી પણ શક્યતા છે કે પક્ષ શહેરના કોઈ અન્ય વોર્ડના આગેવાનને આ વોર્ડમાં ચૂંટણી લડાવે.